Last Updated on by Sampurna Samachar
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને લઈને મોટો વિવાદ ઊભો થયો
ખેલાડીઓમાં નારાજગી વધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં હાલમાં અંદરો અંદર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને તેના દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. બિગ બેશ લીગના આયોજન અને શેડ્યૂલની સમસ્યાઓ વચ્ચે હવે ખેલાડીઓના અસંતોષે બોર્ડની ચિંતામાં વધારો કર્યો છે.

તાજેતરના અહેવાલો મુજબ, ઓસ્ટ્રેલિયાના ૫ જેટલા સીનિયર ખેલાડીઓએ નવા નેશનલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો છે. ખેલાડીઓ કોન્ટ્રાક્ટમાં મળતી રકમથી ખુશ નથી. તેમની મુખ્ય માંગ એ છે કે તેમને વિદેશી T20 લીગમાં રમવા માટે વધુ આઝાદી અને સરળતાથી NOC આપવામાં આવે.
ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ નવી રણનીતિ અપનાવી રહ્યા છે
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કેપ્ટન પેટ કમિન્સને ૩ વર્ષ માટે અંદાજે ૧૨ મિલિયન ડોલરનો વિશાળ કોન્ટ્રાક્ટ ઓફર કરવામાં આવ્યો છે. કમિન્સને આટલી મોટી રકમની ઓફર મળતા અન્ય ખેલાડીઓમાં નારાજગી વધી છે. તેમનું માનવું છે કે ફ્રેન્ચાઈઝી ક્રિકેટની સરખામણીએ તેમના નેશનલ કોન્ટ્રાક્ટનો પગાર હવે ઘણો ઓછો છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં BBL ના ૧૨ મુખ્ય ખેલાડીઓએ એક વોટ્સએપ ગ્રુપ બનાવીને પગારની અસમાનતા પર ચર્ચા કરી હતી. ખેલાડીઓની ફરિયાદ છે કે વિદેશી ખેલાડીઓને ઘણીવાર સ્થાનિક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કરતા વધુ પૈસા આપવામાં આવે છે, જે અન્યાયી છે.
IPL અને અન્ય ગ્લોબલ લીગ જે રીતે ખેલાડીઓને મોટી રકમ ઓફર કરી રહી છે, તેને જોતા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ હવે પોતાની કારકિર્દી અને કમાણી માટે નવી રણનીતિ બનાવી રહ્યા છે. જો બોર્ડ ખેલાડીઓને સંતોષવામાં નિષ્ફળ જશે, તો આગામી સમયમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડીઓ ઈન્ટરનેશનલ ક્રિકેટને બદલે ફ્રેન્ચાઈઝી ક્રિકેટને વધુ પ્રાધાન્ય આપી શકે છે.