Last Updated on by Sampurna Samachar
૨૮ છગ્ગા અને ૫૨ બોલમાં બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો
અનેક વિશ્વ રેકોર્ડ તોડ્યા વૈભવએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલ ક્રિકેટ જગતમાં ૧૫ વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી તહેલકો મચાવી રહ્યો છે. જેની બેટિંગની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. વાત કરીએ તો ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ૨૦૨૬માં UAE સામે રમાયેલી મેચમાં વૈભવે રેકોર્ડની હારમાળા સર્જી હતી. તેણે માત્ર ૨૮ બોલમાં સદી અને ૫૨ બોલમાં બેવડી સદી પૂરી કરીને લિસ્ટ-છ ક્રિકેટમાં નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે.

વૈભવે માત્ર ૫૩ બોલમાં ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ૨૮ ગગનચુંબી છગ્ગા અને ૭ ચોગ્ગા ફટકાર્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ ૩૮૪.૯૦ રહી હતી.
દોહાના યુનિવર્સિટી ઓફ દોહા ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત-છ અને UAE વચ્ચે મુકાબલો રમાયો હતો.
એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ
UAE એ પ્રથમ બેટિંગ કરીને ૫૦ ઓવરમાં ૨૪૯ રન બનાવ્યા હતા. ૨૫૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી વૈભવે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. તેણે માત્ર ૧૬ બોલમાં અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ ૨૮ બોલમાં સદી ફટકારી હતી. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર-મેકગર્કનો ૨૯ બોલમાં સદીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
વૈભવ અહીં જ અટક્યો નહોતો. તેણે માત્ર ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કરીને લિસ્ટ-છ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદીનો વિશ્વવિક્રમ પણ પોતાના નામે કર્યો હતો. આખરે ૫૩ બોલમાં ૨૦૪ રન બનાવીને તે આઉટ થયો હતો.વૈભવની આ ઇનિંગની સૌથી આશ્ચર્યજનક વાત તેના ૨૮ છગ્ગા હતા. આ સાથે તેણે પ્રોફેશનલ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
આ પહેલાં તન્મય અગ્રવાલે ૨૬ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વૈભવે ૨૮ છગ્ગા ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
વૈભવે આ મોટા ક્રિકેટ રેકોર્ડ તોડ્યા
સૌથી ઝડપી લિસ્ટ-છ સદી: ૨૮ બોલમાં સદી.
સૌથી ઝડપી લિસ્ટ-છ બેવડી સદી: ૫૨ બોલમાં ૨૦૦ રન.
એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા: ૨૮ છગ્ગા.
વ્યક્તિગત સ્કોર: માત્ર ૫૩ બોલમાં ૨૦૪ રન.
ચોગ્ગા: ૭.
વૈભવે પ્રથમ ઓવરથી જ UAEના બોલરો સામે આક્રમક બેટિંગ શરૂ કરી હતી. તેણે પ્રથમ ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. બીજી ઓવરમાં પણ બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ બાસિલ હમીદની ઓવરમાં વધુ ત્રણ છગ્ગા ફટકારીને માત્ર ૧૬ બોલમાં અડધી સદી પૂરી કરી હતી.
સદી અને બેવડી સદી પૂરી કર્યા બાદ પણ તેનો આક્રમક અંદાજ યથાવત રહ્યો હતો. આખરે UAE ના કેપ્ટન બાસિલ હમીદે તેની વિકેટ મેળવી હતી.UAE એ પ્રથમ બેટિંગ કરીને ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૪૯ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારત-છએ વૈભવની ઐતિહાસિક ઇનિંગની મદદથી માત્ર ૧૪.૨ ઓવરમાં ૩ વિકેટે ૨૫૪ રન બનાવીને ૭ વિકેટે શાનદાર જીત મેળવી હતી.
વૈભવ સૂર્યવંશીની આ ઇનિંગ માત્ર એક મેચની જીત નથી, પરંતુ લિસ્ટ-છ ક્રિકેટના રેકોર્ડબુકમાં નોંધાયેલી ઐતિહાસિક સિદ્ધિ બની ગઈ છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરે આટલી મોટી ઇનિંગ રમીને તેણે ભારતીય ક્રિકેટમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે