Last Updated on by Sampurna Samachar
સુરત સિવિલ હોસ્પિટલ પરિસરમાં બની ઘટના
પીડિત યુવતીએ તાત્કાલિક ૧૧૨ નંબર પર કોલ કર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાંથી એક શરમજનક ઘટના સામે આવી હતી, જ્યાં હોસ્પિટલમાં આવેલા એક વિધર્મી વૃદ્ધ દ્વારા જાહેરમાં એક યુવતીની છેડતી કરવામાં આવી હતી. દાદાની ઉંમરના વૃદ્ધ દ્વારા કરવામાં આવેલી આ અશ્લીલ હરકતથી યુવતી ચોંકી ઉઠી હતી અને તેણે તરત જ તેનો વિરોધ કરીને બુમાબુમ કરી મૂકી હતી.

યુવતીના આક્રોશને જોઈને આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર ભેગા થઈ ગયા હતા.યુવતી સાથે થયેલી છેડતીની ઘટનાની જાણ થતાં જ આસપાસમાં હાજર લોકો ઉશ્કેરાઈ ગયા હતા. જાહેરમાં વિકૃત હરકત કરનાર વિધર્મી વૃદ્ધને લોકોએ મેદાનમાં જ ઘેરી લીધો હતો અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન હિંમત દાખવીને પીડિત યુવતીએ તાત્કાલિક ૧૧૨ નંબર પર કોલ કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી, જેથી પોલીસ કંટ્રોલ રૂમની ટીમ તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.
પીડિત યુવતીની ફરિયાદ આધારે ગુનો દાખલ
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મેથીપાક પામેલા વિધર્મી વૃદ્ધને ગુસ્સે ભરાયેલા લોકોના હાથમાંથી છોડાવીને પોતાની કસ્ટડીમાં લીધો હતો. પોલીસે યુવતીની છેડતી કરનાર વૃદ્ધની કાયદેસર અટકાયત કરીને તેને પોલીસ મથકે ખસેડ્યો છે. પીડિત યુવતીની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને હોસ્પિટલ પરિસરના સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ શરુ કરી છે