Last Updated on by Sampurna Samachar
દુબઈથી સોમાલિયા જતી વખતે બની ઘટના
૧૩ ખલાસીઓનો આબાદ બચાવના સમાચારથી રાહત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓમાન નજીક દરિયામાં કચ્છના વહાણ પર ડ્રોન હુમલો થયાની ઘટના સામે આવતાં કચ્છના દરિયાઈ વેપાર અને વહાણવટા ક્ષેત્રમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. દુબઈથી સોમાલિયાના બોસાસો બંદર તરફ જઈ રહેલા એમ.એસ.વી. કુબા નામના વહાણને નિશાન બનાવવામાં આવ્યું હતું.

વહાણમાં માંડવી અને સલાયા વિસ્તારના ૧૩ ખલાસીઓ સવાર હતા. સદનસીબે તમામ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો, જ્યારે બે ખલાસીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક અહેવાલોમાં હુમલો ઈરાની ડ્રોનથી કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
હુમલા પાછળ કોણ જવાબદાર તે અંગે કોઇ સ્પષ્ટતા નહીં
પ્રાપ્ત વિગતો અનુસાર, માંડવી અને સલાયા વિસ્તારના ખલાસીઓનું એમ.એસ.વી. કુબા નામનું વહાણ દુબઈથી સોમાલિયાના બોસાસો બંદર તરફ જઈ રહ્યું હતું. દરમિયાન ઓમાનની હદ નજીક વહેલી સવારે અચાનક ડ્રોન હુમલો થયો હતો. હુમલાને પગલે વહાણને નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે.
હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જાેકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હુમલાની ગંભીરતા વચ્ચે વહાણમાં સવાર તમામ ૧૩ ખલાસીઓ સુરક્ષિત બચી ગયા હતા. જાેકે, બે ખલાસીઓને સામાન્ય ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સમયસર મદદ મળી રહેતાં મોટી જાનહાનિ ટળી હતી.
વહાણ પર હુમલા બાદ દરિયામાં મુશ્કેલીમાં મુકાયેલા ખલાસીઓની મદદ માટે ઓમાનના કસબ બંદરના સ્થાનિક માછીમારો તાત્કાલિક પહોંચ્યા હતા. તેમણે ખલાસીઓને જરૂરી સહાય પૂરી પાડી હતી.
વિદેશી દરિયાઈ વિસ્તારમાં મુશ્કેલીના સમયે સ્થાનિક માછીમારોની મદદ ખલાસીઓ માટે રાહતરૂપ બની હતી. કચ્છના વહાણ પર થયેલા હુમલાના અહેવાલથી માંડવી અને સલાયા સહિતના દરિયાઈ વ્યવસાય સાથે જાેડાયેલા વિસ્તારોમાં ચિંતા ફેલાઈ છે.
કચ્છના અનેક પરિવારોના સભ્યો દરિયાઈ વેપાર અને વહાણવટા સાથે સંકળાયેલા હોવાથી આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતીય ખલાસીઓની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. દરિયાઈ માર્ગે માલસામાનની હેરફેર કરતાં વહાણોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે.
હાલ હુમલા પાછળ કોણ જવાબદાર છે તે અંગે સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. ઈરાની ડ્રોનથી હુમલો થયાના દાવાની પુષ્ટિ સહિત વહાણને થયેલા નુકસાન અને સમગ્ર ઘટનાની વધુ વિગતોની રાહ જાેવાઈ રહી છે. તમામ ૧૩ ખલાસીઓનો બચાવ થયો હોવાના સમાચાર કચ્છ માટે રાહતરૂપ બન્યા છે.