Last Updated on by Sampurna Samachar
સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં વકીલ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે.વાત કરીએ તો શહેરમાં સોહેલ શેખ નામના વકીલની ઓફિસમાં ઘૂસી એક શખ્સે તેમના પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરે વકીલ પર ઉપરાછાપરી ચપ્પુના ચાર ઘા ઝીંકતાં ઓફિસમાં અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, વકીલ સોહેલ શેખ પોતાની ઓફિસમાં હાજર હતા ત્યારે એક શખ્સ અચાનક ત્યાં ઘૂસી આવ્યો હતો. ત્યારબાદ તેણે કોઈ તક આપ્યા વિના ચપ્પુ વડે વકીલ પર હુમલો શરૂ કરી દીધો હતો. હુમલાખોરે એક પછી એક ચાર ઘા મારતાં વકીલે પોતાનો બચાવ કરવા માટે પ્રતિકાર કર્યો હતો. આ દરમિયાન તેમના હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી.
હુમલા પાછળનું હજુ અકબંધ
ઓફિસમાં લાગેલા કેમેરામાં હુમલાની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. હુમલાના ફૂટેજ સામે આવતાં ઘટનાની ગંભીરતા ચર્ચાનો વિષય બની છે. હુમલા બાદ ઈજાગ્રસ્ત વકીલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સલાબતપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. હુમલાખોર કોણ હતો, તેણે કયા કારણોસર વકીલ પર હુમલો કર્યો અને આ ઘટના પાછળ કોઈ જૂની અદાવત જવાબદાર છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
સુરતમાં વકીલની ઓફિસમાં ઘૂસીને થયેલા આ હુમલાએ વકીલોની સુરક્ષાને લઈને ફરી એક વખત ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસ તપાસમાં હુમલા પાછળનું ચોક્કસ કારણ અને આરોપીની ઓળખ સહિતની વિગતો સામે આવે તેની રાહ જાેવાઈ રહી છે.