Last Updated on by Sampurna Samachar
સૌથી વધુ ૧૦,૯૪૩ કેસ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત કેસ
૧૦૮ ઈમરજન્સી સેવાને ૫૦,૯૭૯ કૉલ્સ મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં હાલમાં તહેવારોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે તહેવારોના દિવસો દરમિયાન ૧૦૮ ઈમરજન્સી સેવાઓ પર કૉલ્સનો ભારે ધસારો જાેવા મળ્યો હતો. રાજ્યમાં ૧૧ થી ૧૯ ઓક્ટોબર સુધીના માત્ર ૯ દિવસના સમયગાળા દરમિયાન ૧૦૮ ઈમરજન્સી સેવા ખાતે કુલ ૫૦,૯૭૯ કટોકટીના કેસ નોંધાયા હતા.

તહેવારો દરમિયાન લોકોની અવરજવર અને ખાનપાનમાં ફેરફારના કારણે ઈમરજન્સી કૉલ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આંકડાઓ મુજબ ૧૯ ઓક્ટોબરે એક જ દિવસમાં રાજ્યભરમાંથી ૧૦૮ સેવાને ૫,૮૩૧ ઈમરજન્સી કૉલ્સ મળ્યા હતા.નોંધાયેલા ઈમરજન્સી કેસોના આંકડાકીય વિશ્લેષણ મુજબ, સૌથી વધુ ૧૦,૯૪૩ કેસ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત નોંધાયા છે.
એમ્બ્યુલન્સ સ્ટાફે ખડાપગે આપી સેવા
ઉપરાંત તહેવારોના દિવસોમાં રસ્તાઓ પર વાહનોની ભારે ચહલપહલ વચ્ચે માર્ગ અકસ્માતના ૬,૮૧૭ કેસ નોંધાયા હતા. તહેવારોના ખાનપાનના કારણે પેટમાં અસહ્ય દુખાવાના ૬,૩૧૪ કેસ, જ્યારે અંદરોઅંદરના ઘર્ષણ, હુમલા અને સામાન્ય ઈજાના ૫,૮૪૨ કેસ સામે આવ્યા હતા, જેમાં ૧૦૮ની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી દર્દીઓને હોસ્પિટલ ખસેડ્યા હતા.
અન્ય શારીરિક તકલીફોના કેસોમાં શ્વાસની ગંભીર તકલીફના ૪,૩૪૮ કેસ, હૃદય સંબંધિત ઈમરજન્સીના ૨,૯૫૫ કેસ તેમજ ઝેરની અસર કે ઝેરી ડંખના ૧,૪૯૭ કેસ નોંધાયા હતા. સમગ્ર રાજ્યમાં ૧૦૮ના કંટ્રોલ રૂમ અને એમ્બ્યુલન્સ સ્ટાફે રાત-દિવસ જાેયા વગર હજારો દર્દીઓને સમયસર ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડીને સંજીવની સમાન સેવા પૂરી પાડી છે.