Last Updated on by Sampurna Samachar
પેટ્રોલ પંપના પરિસરમાંથી ટેન્કર ઝડપાયું
FSL રિપોર્ટ બાદ વધુ ખુલાસા થવાની શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગરના સાયલા વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે ગેરકાયદે ઇંધણના વેપાર સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. વાત કરીએ તો ડોળિયા-મુળી હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ રેન્જ IG ટીમે ભાડુકા ગામ નજીક આવેલા એક પેટ્રોલ પંપના પરિસરમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું.

ટેન્કરમાં રહેલા પ્રવાહીને પ્રાથમિક રીતે બાયો ડીઝલ જેવું માનવામાં આવી રહ્યું છે, જાેકે તેની ચોક્કસ ઓળખ અને ગુણવત્તા અંગેનો અંતિમ ખુલાસો FSL તપાસ બાદ થશે.
રાજકોટ વિભાગીય પોલીસ વડા નિર્લિપ્ત રાયની સૂચના અનુસાર પેટ્રોલ-ડીઝલની અછતનો લાભ લઈ સંગ્રહખોરી, ગેરકાયદે વેચાણ અથવા ઇંધણમાં ભેળસેળ કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન રેન્જ FSL ટીમને મળેલી બાતમીના આધારે ડોળિયા હાઈવે પર આવેલા આદિત્ય એગ્રો એનર્જી પેટ્રોલ પંપના પરિસરમાં તપાસ કરવામાં આવી હતી.
પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યો
તપાસ દરમિયાન શંકાસ્પદ પ્રવાહી ભરેલું ટેન્કર મળી આવતા તેને કબજે લેવામાં આવ્યું હતું.પોલીસે ટેન્કર માલિક પાસેથી પ્રવાહીના જથ્થા અંગે જરૂરી દસ્તાવેજાે અને બિલોની માંગણી કરી હતી. રજૂ કરવામાં આવેલા કેટલાક બિલો શંકાસ્પદ જણાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ લીંબડી DySP અને સાયલા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ટેન્કરમાં આશરે ૩૫,૮૬૪ લીટર જેટલો શંકાસ્પદ જથ્થો હોવાનું સામે આવ્યું છે. તેની અંદાજિત કિંમત રૂ. ૨૬.૮૯ લાખ હોવાનું જણાવાયું છે. જથ્થાના નમૂના લેવામાં આવ્યા છે અને તેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે.
હવે મુખ્ય તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આ પ્રવાહી ખરેખર બાયો ડીઝલ છે કે અન્ય કોઈ જ્વલનશીલ કેમિકલ, તેમજ તેનો ઉપયોગ કાયદેસર રીતે થવાનો હતો કે પેટ્રોલ-ડીઝલમાં ભેળસેળ માટે તેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.સાયલા-ચોટીલા નેશનલ હાઈવે વિસ્તારમાં થોડા સમય પહેલાં પણ ગેરકાયદે બાયો ડીઝલના વેપાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને એક પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યો હતો.
હવે ફરી મોટા પ્રમાણમાં શંકાસ્પદ પ્રવાહી ભરેલું ટેન્કર ઝડપાતા આ સમગ્ર નેટવર્ક અંગે તપાસ વધુ તેજ બનવાની શક્યતા છે. FSL રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જથ્થાના મૂળ સ્ત્રોત, માલિકી અને તેના ઉપયોગ અંગે વધુ વિગતો સામે આવી શકે છે.