Last Updated on by Sampurna Samachar
વર્ષ ૨૦૨૨માં એક પછી એક ત્રણ મહિલાઓની હત્યા કરી હતી
ક્રાઇમ બ્રાન્ચે આરોપી દંપતી સામે કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ પોતાની સાથે ઘરેણાં અને રોકડ લઈને અલગ રહેવા ગયેલી પત્ની અને તેના ભાઈને ફસાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખોટી બાતમી આપનાર પતિ જ ત્રિપલ મર્ડરનો મુખ્ય સૂત્રધાર નીકળ્યા બાદ પોલીસ તપાસમાં હત્યાના ચોંકાવનારા કારણો સામે આવ્યા છે.

ક્રાઇમ બ્રાન્ચની સઘન પૂછપરછમાં આરોપી દંપતી માધવદાસ ભક્તિરામ સાધુ અને ઉર્મિલા ઉર્ફે જયાએ કબૂલાત કરી છે કે, લકવાગ્રસ્ત માતાની સાર-સંભાળની જવાબદારીમાંથી મુક્તિ મેળવવા તેમજ વૃદ્ધ દાદીના મકાનો પર કબજાે જમાવવા અને રોકડ-કિંમતી સામાન પડાવી લેવા માટે વર્ષ ૨૦૨૨માં એક પછી એક ત્રણ મહિલાઓની હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ત્રિપલ મર્ડર કેસમાં આરોપી દંપતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
પિતરાઈ ભાઈ નિર્દોષ દોષિત જાહેર થયો હતો
અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચે સુરત જિલ્લાના કોસંબા ખાતે ૨૦૨૨માં થયેલી વૃદ્ધા શાંતાબહેન ગંભીરભાઈ વસાવાની હત્યાની મળેલી બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. બાતમીદાર માધવદાસે પત્ની ઉર્મિલા અને તેના પિતરાઈ ભાઈ સામે હત્યાનો આક્ષેપ કર્યો હતો.
જાે કે, ક્રાઇમ બ્રાન્ચે પિતરાઈ ભાઈની અટકાયત કરી પૂછપરછ કરતાં તે નિર્દોષ સાબિત થયો હતો. જેથી શંકાના આધારે બાતમીદાર માધવદાસની કડકાઈથી પૂછપરછ કરાતાં સમગ્ર ષડયંત્ર ખુલ્લું પડ્યું હતું. માધવદાસ સાથે ૮ મહિનાથી અલગ રહેતી પત્ની ઉર્મિલા પુત્ર, રોકડ અને દાગીના લઈ જતી રહી હોવાથી અદાવત રાખી તેણે પત્ની અને સાળાને ફસાવવા આ બનાવટી વાર્તા રચી હતી.
પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં સામે આવ્યું કે, માધવદાસની માતા મંજુલાબહેન ભક્તિરામ સાધુ લકવાગ્રસ્ત હોવાથી તેમની દૈનિક સેવા-ચાકરી કરવી પડતી હતી. આ જવાબદારીમાંથી છૂટકારો મેળવવા દંપતીએ મોઢા પર ઓશીકું દબાવી માતાની હત્યા કરી અગ્નિસંસ્કાર કરી દીધા હતા.
ત્યારબાદ દાદી શાંતાબહેનના મકાનો અને રોકડ-દાગીના પચાવી પાડવા માટે તેમની સાથે રહેતી અને ટીબીથી પીડાતી પૌત્રી ભગવતી કમલેશભાઈ વસાવાની પણ ઓશીકું દબાવી હત્યા કરી લાશ દાટી દીધી હતી. અંતે શાંતાબહેનની હત્યા કરી મૃતદેહ બેરલમાં મૂકી સિમેન્ટ ભરી જમીનમાં ખાડો ખોદી છુપાવી દીધી હોવાનું સામે આવ્યું છે.