Last Updated on by Sampurna Samachar
સંજૂ સેમસને ક્રિકેટરોને લઇ થતી ચર્ચાઓ અંગે કહ્યું
વૈભવ સૂર્યવંશીની ટીમમાં પસંદગી અંગે વિચારો વ્યક્ત કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી ખાતે અફઘાનિસ્તાન સામે રમાયેલી બીજી T20 મેચમાં સંજુ સેમસને જે જવાબી ઇનિંગ્સની લાંબા સમયથી રાહ જાેવાઈ રહી હતી તે પોતાના બેટથી રમી બતાવી છે. તેણે માત્ર ૨૨ બોલમાં ૫૭ રનની તોફાની અડધી સદી ફટકારીને ભારતની ૭ વિકેટથી થયેલી શાનદાર જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

મેચ પૂર્ણ થયા બાદ સંજુએ પોતાની વિસ્ફોટક બેટિંગ ઉપરાંત તેની સામે થતી સતત આલોચનાઓ, સોશિયલ મીડિયા પર થતા બહારના અવાજાે અને ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીની ટીમમાં પસંદગી અંગે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
હું કોઈ મશીન કે રોબોટ નથી , સંજુએ કહ્યું
સંજુએ સ્વીકાર્યું કે ભારતીય ક્રિકેટરોની આસપાસ થતી અવિરત ચર્ચાઓ અને ટીકાઓથી બચવું સરળ નથી અને તેની અસર તેના પર પણ પડે છે. આ વિશે સંજુ સેમસને કહ્યું કે, ” સોશિયલ મીડિયા પર કેટલાક નેગેટિવ કમેન્ટ્સ સામે આવી જાય છે.”
પૂર્વ કે સિનિયર ખેલાડીઓની ટિપ્પણીઓ અંગે તેણે કહ્યું કે કેટલાક ખેલાડીઓ તેના વિશે બોલે છે અને કેટલાક નથી બોલતા, જે તેમની તે સમયની માનસિક સ્થિતિ અને પસંદગી પર ર્નિભર કરે છે; કોઈ સકારાત્મક શબ્દો વાપરે છે તો કોઈ નકારાત્મક. આ વિશે સંજુ સેમસને વધુમાં કહ્યું કે, “હું કોઈ મશીન કે રોબોટ નથી. તમે એક માણસ છો એટલે થોડી ઘણી અસર તો થાય જ છે અને ખરાબ પણ લાગે છે. પરંતુ ત્યારબાદ તમારે પોતાની જાત સાથે વાત કરવી પડે છે અને ખુદને યાદ અપાવવું પડે છે કે તમે કોણ છો અને તમારે મેદાન પર શું કરવાનું છે.”
બહારના દબાણ અંગે વાત કરતાં સંજુએ સ્પષ્ટ કર્યું કે જાે તે સતત સોશિયલ મીડિયાની ચર્ચાઓ પર ધ્યાન આપતો હોત તો ક્યારેય આક્રમક રીતે રમી શક્યો ન હોત. તેણે કહ્યું કે જાે તે લોકોની વાતો સાંભળતો હોત તો બોલને ફટકારતાં પહેલાં ૧૦ વાર વિચારતો. જાે બોલ બાઉન્ડ્રી બહાર જતો રહે તો ફરી સમસ્યા ઊભી થતી, પરંતુ હવે તેને આ બાબતોથી કોઈ ફરક પડતો નથી. ખેલાડીએ જાતે જ નક્કી કરવું પડે છે કે તેને કઈ માનસિકતા સાથે તૈયારી કરીને મેદાનમાં ઉતરવું છે.
હાલના સમયમાં ઓપનિંગ સ્લોટ માટે ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીના દાવેદારીથી સંજુ સામે મોટો પડકાર ઊભો થયો છે. વૈભવે આ સિઝનમાં અંદાજે ૭૦૦થી ૮૦૦ રન ફટકારીને જાેરદાર પ્રદર્શન કર્યું છે, જેનો ઉલ્લેખ સંજુએ પણ કર્યો હતો. આ વિશે સંજુએ સ્વીકાર્યું કે, “ભારતીય ટીમ ચલાવવી સહેલું કામ નથી. એક ૧૫ વર્ષના બાળકે સિઝનમાં ૭૦૦-૮૦૦ રન બનાવ્યા છે અને ટૂર્નામેન્ટ પહેલાં પણ ઉત્કૃષ્ટ રમત બતાવી હતી. તેથી તેને કોઈને કોઈ રીતે ટીમમાં તક આપવી અત્યંત સ્વાભાવિક અને જરૂરી હતું.”
સેમસને પોતાની ભૂલ સ્વીકારતાં કહ્યું કે તે પોતે અગાઉની ૨-૩ મેચોમાં સારું પ્રદર્શન કરી શક્યો નહોતો, જ્યારે વૈભવ શાનદાર ફોર્મમાં હતો અને સીરિઝ જીતવાના પ્રબળ ઇરાદા સાથે આવ્યો હતો. આવા સંજાેગોમાં ટીમ મેનેજમેન્ટે તેને તક આપી તે યોગ્ય ર્નિણય હતો