T20 ક્રિકેટમાં ક્રિસ ગેલનો તૂટ્યો રેકોર્ડ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

જોસ બટલરે માત્ર ૧૧ બોલમાં ૧૬ રન બનાવીને રચ્યો ઇતિહાસ

T20 ક્રિકેટની ૪૮૭ ઇનિંગ્સમાં ૧૪૬.૭૪ના શાનદાર સ્ટ્રાઇક રેટ

(સંપૂર્ણ સમાચાર સેવા)

લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી ધ હન્ડ્રેડ ૨૦૨૬ ટૂર્નામેન્ટની એક રોમાંચક મેચ દરમિયાન ક્રિકેટ ઇતિહાસનો એક મોટો રેકોર્ડ તૂટી ગયો છે. ઇંગ્લેન્ડ ટીમના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલરે T20 ક્રિકેટમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ તરફથી રમી રહેલા જોસ બટલરે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ અને પૂર્વ ઓપનર ક્રિસ ગેલને પાછળ છોડીને વિશ્વમાં બીજા સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન બનવાનું ગૌરવ મેળવ્યું છે.

લંડન સ્પિરિટ સામેની મેચમાં માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સની ટીમે ૭ રનથી નજીવો વિજય મેળવ્યો હતો. આ મેચમાં જોસ બટલરે ભલે મોટી ઇનિંગ્સ ન રમી હોય અને માત્ર ૧૧ બોલમાં ૧૬ રન બનાવીને આઉટ થયો હોય, પરંતુ આ ટૂંકી ઇનિંગ્સ તેના માટે ઐતિહાસિક સાબિત થઈ હતી. આ ૧૬ રનની મદદથી તેણે ક્રિસ ગેલના વર્ષો જૂના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારમાં એક પણ ભારતીય નહીં

જોસ બટલરના નામે હવે T20 ક્રિકેટની ૪૮૭ ઇનિંગ્સમાં ૧૪૬.૭૪ના શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે કુલ ૧૪,૫૭૨ રન નોંધાઈ ચૂક્યા છે. તેના T20 કરિયરમાં ૯ સદી અને ૧૦૨ અર્ધસદી સામેલ છે, જે તેની સાતત્યપૂર્ણ બેટિંગની સાક્ષી પૂરે છે. બીજી તરફ, રેકોર્ડબુકમાં ત્રીજા સ્થાને સરકી ગયેલા વેસ્ટ ઇન્ડિઝના યુનિવર્સ બોસ ક્રિસ ગેલે પોતાના કરિયરની ૪૫૫ ઇનિંગ્સમાં ૧૪૪.૭૫ ના સ્ટ્રાઇક રેટથી ૧૪,૫૬૨ રન બનાવ્યા હતા, જેમાં ૨૨ સદી અને ૮૮ અર્ધસદીનો સમાવેશ થાય છે.

વિશ્વમાં સૌથી વધુ T20 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ હાલમાં વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડના નામે છે. પોલાર્ડે ૬૬૩ ઇનિંગ્સમાં ૧૪,૮૦૩ રન બનાવ્યા છે. જોસ બટલર હવે આ વૈશ્વિક યાદીમાં પ્રથમ સ્થાને પહોંચવાથી માત્ર ૨૩૧ રન જ દૂર છે.

T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના પાંચ બેટ્સમેનમાં એક પણ ભારતીય નહીં

કિરોન પોલાર્ડ (વેસ્ટ ઇન્ડિઝ) – ૧૪,૮૦૩ રન

જોસ બટલર (ઇંગ્લેન્ડ) – ૧૪,૫૭૨ રન

ક્રિસ ગેલ (વેસ્ટ ઇન્ડિઝ) – ૧૪,૫૬૨ રન

એલેક્સ હેલ્સ (ઇંગ્લેન્ડ) – ૧૪,૪૪૯ રન

ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – ૧૪,૨૮૪ રન

વિરાટ કોહલી (ભારત) – ૧૪,૨૧૮ રન

જોસ બટલર માટે આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે છેલ્લા ૧૮ મહિના તેના માટે ભારે ઉતાર-ચઢાવવાળા રહ્યા હતા. ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો અને ૮ ઇનિંગ્સમાં માત્ર ૮૭ રન જ બનાવી શક્યો હતો. જોકે, વર્ષ ૨૦૨૬માં તેણે જોરદાર વાપસી કરી છે.

ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા તેણે ૧૫૨.૪૬ના સ્ટ્રાઇક રેટથી ૫૨૬ રન ફટકાર્યા હતા. ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત સામેની અંતિમ T20 મેચમાં માત્ર ૬૪ બોલમાં અણનમ ૧૩૧ રનની તોફાની ઇનિંગ્સ રમીને તેણે પોતાના જૂના ફોર્મની ઝાંખી કરાવી હતી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.