Last Updated on by Sampurna Samachar
રાજ્ય સરકારે હાઇકોર્ટના આદેશનો અમલ ન કરી SC ને અપીલ કરી
આંગણવાડી અને આશા વર્કર બહેનો સરકારની પાયાની કરે છે કામગીરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં ફરી એકવાર પોતાની માંગણીને લઇ આશાવર્કરો મેદાને ઉતરી છે. ત્યારે અમદાવાદના સરદાર ગાર્ડન ખાતે રાજ્યભરની આંગણવાડી અને આશા વર્કર બહેનોએ બે દિવસીય ઉપવાસ અને ધરણાં આંદોલન શરૂ કર્યું છે.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ ગુજરાત આશા ઍન્ડ હેલ્થ વર્કર યુનિયનના નેતૃત્વ હેઠળ એકત્ર થયેલી બહેનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. આંગણવાડી વર્કરને માસિક માત્ર ૧૦,૦૦૦ રૂપિયા, હેલ્પરને ૫,૫૦૦ રૂપિયા અને આશા વર્કરને માંડ ૪,૫૦૦ રૂપિયા માનદ વેતન આપવામાં આવતું હોવાથી બહેનોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે.
માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
આંદોલન કરી રહેલી મહિલાઓનો મુખ્ય આક્ષેપ છે કે ગુજરાત હાઇકોર્ટે ઑગસ્ટ ૨૦૨૫માં આંગણવાડી વર્કર અને હેલ્પરના વેતન વધારીને અનુક્રમે ૨૪,૮૦૦ રૂપિયા અને ૨૦,૩૦૦ રૂપિયા કરવા ચુકાદો આપ્યો હતો. રાજ્ય સરકારે હાઇકોર્ટના આદેશનો અમલ કરવાને બદલે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. આથી, પ્રદર્શનકારીઓએ માગ કરી છે કે સરકાર સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અપીલ તાત્કાલિક પાછી ખેંચે, હાઇકોર્ટના ચુકાદાનો સત્વરે અમલ કરે અને વચગાળાની રાહત રૂપે રાજ્યનું લઘુતમ વેતન ચૂકવે. આ ઉપરાંત નિવૃત્તિ વયમર્યાદા સહિતના પડતર પ્રશ્નોનો પણ કાયમી ઉકેલ લાવવાની માગણી કરાઈ છે.
આંગણવાડી અને આશા વર્કર બહેનો સરકારની તમામ પાયાની કામગીરી નિભાવે છે. જેમાં બાળકોની સંભાળથી માંડીને ચૂંટણી સમયે BLO ની કામગીરી, વસ્તી ગણતરી અને સરકારી મેળાઓની જવાબદારીઓ શામેલ છે.
ICDS સેવાઓને ૫૦ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં અને સરકારી કર્મચારીઓ સમકક્ષ કામગીરી કરાવવામાં આવતી હોવા છતાં તેમને માત્ર માનદ વેતનદાર ગણવામાં આવે છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા તેમને કાયમી કર્મચારીનો દર્જ આપવામાં આવતો નથી, જે મહિલાઓનું શોષણ દર્શાવે છે.
બહેનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે સરકાર માત્ર બેઠકો બોલાવીને વચનો આપે છે પરંતુ એકપણ વચનનું પાલન કરતી નથી. અગાઉ પણ વારંવાર રજૂઆતો, રેલીઓ અને ધરણાં કરવા છતાં કોઈ સકારાત્મક ઉકેલ આવ્યો નથી. હવે બહેનો ભૂખ વેઠીને આંદોલન કરવા મજબૂર બની છે. જો હાઇકોર્ટના આદેશ મુજબ વેતન વધારો અને લઘુતમ વેતનમાં સમાવેશ કરવાની વ્યાજબી માગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં સંગઠન દ્વારા આનાથી પણ વધુ ઉગ્ર અને આરપારની લડાઈ લડવામાં આવશે.