Last Updated on by Sampurna Samachar
તળાવમાંથી મૃત જીવોનો યોગ્ય નિકાલ કરવા માંગ
મીઠાવી ચારણ ગામે તળાવમાં માછલીઓના મોતનો બનાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વાવ-થરાદમાં ધરણીધર તાલુકાના મીઠાવી ચારણ ગામે આવેલા તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોત થતાં ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામના પાદરમાં આવેલા તળાવમાં માછલીઓ મૃત અવસ્થામાં પાણી પર તરી રહી છે અને ગરમીના કારણે તે કોહવાતાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. તળાવ ગામના મુખ્ય પ્રવેશદ્વાર અને રસ્તાની નજીક જ હોવાથી સ્થાનિક રહીશો અને રાહદારીઓ માટે ત્યાંથી પસાર થવું પણ અત્યંત મુશ્કેલ બન્યું છે.

માછલીઓના આ પ્રકારે અચાનક મોત થવા પાછળ કોઈ અસામાજિક તત્ત્વોએ તળાવમાં ઝેરી દવા નાખી છે કે પછી કેમિકલ કે અન્ય કોઈ કુદરતી કારણ છે, તે અંગે ગામમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ખાસ કરીને તળાવનો ઈજારો પૂરો થયો હોવાથી આ ઘટના પાછળ કોઈનું કાવતરું હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટરે રૂબરૂ મુલાકાત લીધી
મીઠાવી ચારણ ગામને આદર્શ ગામ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તળાવના ખારા અને દૂષિત પાણીના નિકાલ માટે ગ્રામજનો દ્વારા ૬ મહિના પહેલાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તે સમયે જિલ્લા કલેક્ટરે રૂબરૂ મુલાકાત લઈને ખારા પાણીનો કાયમી નિકાલ કરી આપવાની ખાતરી પણ આપી હતી.
આજદિન સુધી કોઈ કામગીરી ન થતાં તંત્રની લાચારી અને નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.તળાવમાં ગંદકી અને મૃત માછલીઓની દુર્ગંધના કારણે સમગ્ર વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેનાથી ગામમાં ચેપી રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત સેવાઈ રહી છે.
ગ્રામજનોની એક જ માંગ છે કે સંબંધિત તંત્ર તાત્કાલિક હરકતમાં આવે, તળાવની યોગ્ય સફાઈ કરાવી મૃત જીવોનો યોગ્ય નિકાલ કરવામાં આવે જેથી જાહેર આરોગ્ય અને પર્યાવરણનું જતન થઈ શકે.