Last Updated on by Sampurna Samachar
ગેસ કનેક્શન કાપવાની ધમકી આપી કરી લાખોની ઠગાઇ
સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં એક પરિવારને ગેસ કનેક્શન કાપી દેવાનો મેસેજ કરી લાખોની છેતરપિંડી આચરતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાત કરીએ તો ૩૨ વર્ષીય વેપારી અને તેમના પરિવાર સાથે સાયબર ગઠિયાઓએ ગેસ બિલ અને મીટર અપડેટના બહાને ૧૧.૫૩ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

ગઠિયાઓએ મોબાઈલ પર ગેસ કનેક્શન ડિસ્કનેક્ટ થવાનો મેસેજ મોકલી, વોટ્સએપ પર એક APK ફાઇલ ડાઉનલોડ કરાવીને મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ મેળવી આ કૌભાંડ આચર્યું હતું. બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
APK ફાઇલ ઇન્સ્ટોલ થતાં જ પરિવારના મોબાઇલ હેક
મળતી માહિતી અનુસાર, લો-ગાર્ડન વિસ્તારમાં રહેતા રિશીતના મોટાભાઈ વિવેકના મોબાઈલ પર ૨૬મી સપ્ટેમ્બરના રોજ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, ‘ગત મહિનાનું મીટર રીડિંગ અપડેટ ન હોવાથી આજે રાતે ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે.‘ વિવેકે આ મેસેજનો સ્ક્રીનશોટ રિશીતને મોકલતાં તેણે આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. સામેથી હિન્દીમાં વાત કરી ગઠિયાએ જણાવ્યું હતું કે ‘મીટર અપડેટ ન હોવાથી બિલ વધુ આવે છે, તેથી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.‘ ત્યારબાદ વોટ્સએપ પર ફાઇલ મોકલવામાં આવી હતી.
રિશીતે આ ફાઇલ ઇન્સ્ટોલ કરી લોકેશન અને નોટિફિકેશન પરમિશન આપ્યા બાદ પિતાનું નામ, રજીસ્ટર્ડ નંબર અને કસ્ટમર આઈડી નાખી સબમિટ કર્યું હતું. ત્યારબાદ એપ્લિકેશનમાં ૧૦ રૂપિયાનું પેમેન્ટ કરવાનું ઓપ્શન આવતાં શંકા જતાં તેઓ એપમાંથી બહાર નીકળી ગયા હતા અને કોલ ફોરવર્ડિંગ બંધ કરી એપ ડિલીટ કરી દીધી હતી.
એપ્લિકેશન ડિલીટ કરી હોવા છતાં ગઠિયાઓએ ત્યાં સુધીમાં ફોનનું રિમોટ એક્સેસ મેળવી લીધું હતું. અડધા કલાકમાં અલગ-અલગ OTP આવવા લાગ્યા હતા અને ૨૬મી તથા ૨૭મી સપ્ટેમ્બર દરમિયાન રિશીત તેમના પત્ની, પિતા અને માતાના બૅંક ખાતામાંથી ૧૧.૫૩ લાખ રૂપિયા ઉપડી ગયા હતા.
છેતરપિંડીનો અહેસાસ થતાં તેણે તાત્કાલિક ૧૯૩૦ હેલ્પલાઈન પર અને ત્યારબાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ગઠિયાઓ દ્વારા મોકલવામાં આવેલી માલિશિયસ APK ફાઇલ ઇન્સ્ટોલ થતાં જ મોબાઇલમાં રહેલા તમામ મેસેજ, લોકેશન અને સંપર્કોનું એક્સેસ હેકર્સ પાસે જતું રહે છે.
આ કિસ્સામાં પણ ફરિયાદીએ ૧૦ રૂપિયા પેમેન્ટ ન કર્યું અને એપ ડિલીટ કરી છતાં બેકએન્ડમાં એક્સેસ મેળવી લેવાયું હતું. ગઠિયાઓએ USSD કોડ કે પરમિશન મારફતે કોલ/એસએમએસ ફોરવર્ડિંગ એક્ટિવેટ કરીને બેંકિંગ ટ્રાન્ઝેક્શનના તમામ ઓટીપી મેળવીને આ મોડસ ઓપરેન્ડી આચરી હતી.