Last Updated on by Sampurna Samachar
દાહોદ ગણેશ વિસર્જનમાં નિયમોના લીરેલીરા ઉડ્યા
જાેરશોરથી વાગતા DJ સાઉન્ડનો વીડિયો વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદ શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન DJ ના બેફામ ઘોંઘાટ અને સુરક્ષાના નિયમોના લીરેલીરા ઉડતાં હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વિસર્જન પ્રસંગે નદી કિનારે ઉમટેલી મોટી ભીડ અને જાેરશોરથી વાગતા DJ સાઉન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

વાઇરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે એક DJ સંચાલક બાદ બીજાે સંચાલક વધુ મોટા અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડે તેવી હોડ અને સ્પર્ધા જામી હતી. નદી કિનારે DJ ના તાલ પર નાચતી અને ઉશ્કેરાટ અનુભવતી ભીડ એકઠી થતાં સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.
તંત્રએ કોઇ પગલાં ન લીધા હોવાનો સ્થાનિકોનો આરોપ
પાણી નજીક અતિશય ગીચતા અને અંકુશ વિનાનો ઘોંઘાટ હોવા છતાં સ્થળ પર તંત્રની કોઈ અસરકારક લગામ કે નિયંત્રણ ન દેખાતાં કોઈ અપ્રિય બનાવ કે જાનહાનિ સર્જાવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે.DJ સાઉન્ડ માટે નક્કી કરાયેલા ડેસિબલ મર્યાદાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થવા છતાં તંત્ર મૌન પ્રેક્ષક બનીને જાેઈ રહ્યું હોવાના આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે.
શું કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાયા પછી જ પોલીસ અને સ્થાનિક તંત્ર જાગશે તેવો સવાલ ઉઠાવી લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ઉત્સવો અને ધાર્મિક પ્રસંગોના નામે અનિયંત્રિત રીતે ડીજે વગાડીને જાહેર શાંતિનો ભંગ કરનારા તથા સુરક્ષા જાેખમાવનારા સંચાલકો સામે તંત્ર અગાઉથી જ કડક કાયદાકીય કદમ ઉઠાવે તેવી માંગ પ્રબળ બની છે