Last Updated on by Sampurna Samachar
બે ભવ્ય રથ, ત્રણ પાલખીઓ, સુશોભિત ઘોડા આકર્ષણનુ કેન્દ્ર
ભગવાનના રથની પરંપરાગત ૧૧ પરિક્રમા કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીની ૨૫૪ મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે નીકળી હતી. વહેલી સવારે ૬:૧૫ વાગ્યે મંગળા આરતી બાદ પરંપરાગત ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી ભગવાન રણછોડરાયજીને ચાંદીના અલંકૃત રથમાં બિરાજમાન કરાયા હતા. ત્યારબાદ મંદિરના મુખ્ય દ્વારેથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. ચરોતર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી હજારો ભાવિકો રથયાત્રામાં જોડાયા હતા. સમગ્ર ડાકોર નગર ‘જય રણછોડ, માખણ ચોર’ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

રથયાત્રા દરમિયાન ભગવાનના રથની પરંપરાગત ૧૧ પરિક્રમા કરવામાં આવી હતી. ત્યારબાદ રથ ગૌશાળા, લાલબાગ, મહાપ્રભુજીની બેઠક, નરસિંહ ટેકરી, રાધાકુંડ અને કેવડેશ્વર જેવા પવિત્ર સ્થળોએથી પસાર થયો હતો. રસ્તામાં અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવિકો માટે પ્રસાદ, શરબત, પીવાના પાણી અને ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ડાકોરની ૨૫૪મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે થઇ સંપન્ન
રથયાત્રાનું મુખ્ય આકર્ષણ બે ભવ્ય રથ, ત્રણ પાલખીઓ, સુશોભિત ઘોડા, બેન્ડવાજાં અને ભજન મંડળીઓ રહી હતી. ભક્તો ભજન-કીર્તન અને જયઘોષ સાથે ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા હતા. પ્રસાદરૂપે જાંબુ, ફણગાવેલા મગ અને કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડાકોરની આ રથયાત્રા પુષ્ય નક્ષત્રના શુભ દિવસે યોજાતી હોવાથી તેનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે.
રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એક DYSP , બે પોલીસ ઇન્સ્પેક્ટર, છ PSI , ૧૪૭ પોલીસ જવાનો, હોમગાર્ડ સહિત કુલ ૩૮૮ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. સમગ્ર રૂટ પર ડ્રોન સર્વેલન્સ અને ૩D કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી હતી જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
ભવ્ય આયોજન, સુચારુ વ્યવસ્થા અને ભક્તોના ઉમંગને કારણે ડાકોરની ૨૫૪મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. રાત્રે નિર્ધારિત રૂટ પૂર્ણ કર્યા બાદ ભગવાન રણછોડરાયજીનો રથ નિજ મંદિરમાં પરત ફર્યો હતો. આ પાવન પ્રસંગે ભક્તોમાં અદભુત શ્રદ્ધા, ભક્તિ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.