Last Updated on by Sampurna Samachar
૩ ખાદ્ય પેઢીઓને મનપા ટીમે કરી સીલ
૧૦૨૦ કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા સામે લાલ આંખ કરી છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ૭૫ જેટલી ખાદ્ય પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન ખાસ કરીને ફરસાણ, મરચું પાવડર અને ધાણાજીરું સહિતની દૈનિક વપરાશની વસ્તુઓમાં મોટા પ્રમાણમાં ભેળસેળ આચરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે.

મનપાની આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક એવો ૧૦૨૦ કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો, જેને અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી સીઝ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભેળસેળ આચરતી ૩ ખાદ્ય પેઢીઓને મનપાની ટીમ દ્વારા સીલ કરી દેવામાં આવી છે.
૧૦ જુદા જુદા સ્થળોએથી શંકાસ્પદ નમૂના એકઠા કર્યા
સાથે જ અયોગ્ય સ્ટોરેજ અને અસ્વચ્છતા જાળવવા બદલ ૧૨ જેટલી પેઢીઓને નોટિસ ફટકારીને સુધારાત્મક સૂચનાઓ આપવામાં આવી છે.ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કાયદાકીય શિકંજો કસવા માટે મનપાની ટીમે ૧૦ જુદા જુદા સ્થળોએથી ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ એકત્રિત કર્યા છે. આ તમામ સેમ્પલોને વધુ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે લેબોરેટરી રિપોર્ટમાં ભેળસેળ સામે આવશે તો જવાબદાર પેઢીઓ સામે ભ્રષ્ટાચાર અને ભેળસેળ વિરોધી કાયદા હેઠળ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.