Last Updated on by Sampurna Samachar
સુરતમાં પૂરની આશંકા વચ્ચે ઇન્ડિયન આર્મીનો સહારો
નાગરિકોને ઘર બહાર ન નીકળવા અને અફવાથી દુર રહેવા અપીલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગથી તબાહી સર્જાઇ છે. જ્યાં ભેદવાડ ખાડીએ ડેન્જર લેવલ વટાવી દેતાં શહેરમાં પૂરનો ખતરો વધુ ગંભીર બન્યો છે. હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની આશંકાને પગલે સમગ્ર વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર મૂકાયું છે. સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા ઇન્ડિયન આર્મીની બે વિશેષ ટીમો રેસ્ક્યુ વાહનો, બોટ અને આધુનિક બચાવ સાધનો સાથે સુરત પહોંચી ગઈ છે. લીંબાયત વિસ્તારમાં આ ટીમોને તૈનાત કરવામાં આવશે.

સુરતમાં સતત વરસાદ અને ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરની ખાડીઓના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ભેદવાડ ખાડીએ ડેન્જર લેવલ વટાવી દેતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તમામ ઝોનમાં કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત રખાયા
હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરતાં સમગ્ર વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક થઈ ગયું છે.સંભવિત પૂર અને બચાવ કામગીરીને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન આર્મીની બે વિશેષ ટીમો સુરત પહોંચી ગઈ છે.
આ ટીમો સાથે વિશેષ રેસ્ક્યુ વાહનો, ઇન્ફ્લેટેબલ બોટ, લાઇફ જેકેટ, દોરડા, બચાવ સાધનો અને અન્ય આવશ્યક સામગ્રી પણ લાવવામાં આવી છે. પૂર જેવી સ્થિતિ સર્જાય તો પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, રાહત સામગ્રી પહોંચાડવા અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરી શકાય તે માટે આ ટીમોને તૈયાર રાખવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આર્મીની ટીમોને પ્રાથમિક તબક્કે લીંબાયત વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે. લીંબાયત ઉપરાંત ખાડી કાંઠાના અને નીચાણવાળા અન્ય વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બનશે તો ત્યાં પણ આર્મીની ટીમોને તાત્કાલિક મોકલવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર, સુરત પાલિકા, ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ, એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે સંકલન કરીને આર્મી બચાવ કામગીરી હાથ ધરશે.
શહેરની ભેદવાડ, મીઠી, કાંકરા, ભાઠેના અને સીમાડા સહિતની તમામ મુખ્ય ખાડીઓના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. અગાઉ ભારે વરસાદ દરમિયાન ડેન્જર લેવલ પહેલાં જ કેટલીક ખાડીઓ ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. આ વખત ખાડીઓના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
સુરત પાલિકા દ્વારા તમામ ઝોનમાં કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે. ડીવોટરિંગ પંપ, જેસીબી, ટ્રેક્ટર, બોટ, ફાયર બ્રિગેડની ટીમો અને અન્ય બચાવ સાધનોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. જરૂરી પડે તો અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરીને તેમને રાહત કેન્દ્રોમાં ખસેડવાની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે.
વહીવટી તંત્રે નાગરિકોને અતિઆવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓ, નાળા અને ખાડીઓની નજીક જવાનું ટાળવા તેમજ અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી ૨૪ થી ૪૮ કલાક સુરત માટે અત્યંત મહત્વના માનવામાં આવી રહ્યા હોવાથી સમગ્ર તંત્ર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા યુદ્ધના ધોરણે તૈયાર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.