Last Updated on by Sampurna Samachar
મેડિકલ પુરાવા અને સાક્ષીઓના આધારે મજબૂત દલીલો
સગીરાની માતાએ નોંધાવી હતી ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડ જિલ્લામાં સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં સ્થાનિક કોર્ટે ૨૦ વર્ષીય આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઉપરાંત આરોપીને ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પીડિતાને વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ ૩ લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

કેસની વિગતો અનુસાર, વલસાડ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષીય સગીરાને આરોપી સાગર સંજયભાઈ પટેલે પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્ન કરવાની લાલચ આપી તેને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ પાંચથી છ વખત શારીરિક શોષણ કર્યું હતું. ૧૪ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ આરોપી સગીરાના ઘર નજીક પહોંચતા સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો હતો. ત્યારબાદ પરિવારજનોએ સગીરાની પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.
પીડિતાને ૩ લાખનું વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ
આરોપીએ પીડિતાના પરિવારને ધમકીઓ આપ્યાના આક્ષેપ બાદ સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મેડિકલ પુરાવા, પીડિતાની જુબાની અને અન્ય સાક્ષીઓના આધારે કેસને મજબૂત બનાવવામાં આવ્યો હતો.
વલસાડ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ એન.ડી. પ્રજાપતિએ પીડિતા, સાક્ષીઓ અને મેડિકલ પુરાવાના આધારે મજબૂત દલીલો રજૂ કરી હતી. તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં લઈને જજ નીપા સી. રાવલે આરોપીને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સાથે જ કોર્ટે પીડિતાને ૩ લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.