Last Updated on by Sampurna Samachar
રેલવે, પોલીસ અને મેડિકલ ટીમની પ્રશંસનીય કામગીરી
એર એમ્બ્યુલન્સ અથવા હવાઈ માર્ગનો ઉપયોગ થતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય રેલવેએ આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. વાત કરીએ તો પ્રથમવાર ટ્રેન મારફતે અંગદાન થયાનુ સામે આવ્યુ છે. સુરતથી અમદાવાદ દોડતી ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવિત હૃદયનું સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આવા મહત્વના અંગોના પરિવહન માટે મુખ્યત્વે એર એમ્બ્યુલન્સ અથવા હવાઈ માર્ગનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે રેલવે દ્વારા પણ આ પ્રકારની જટિલ અને સમયબદ્ધ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સુરતથી જીવિત હૃદયને વિશેષ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ વંદે ભારત ટ્રેનમાં અમદાવાદ લાવવામાં આવ્યું હતું. હૃદયને નિર્ધારિત સમયમર્યાદામાં સુરક્ષિત રીતે પહોંચાડવા માટે રેલવે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
શહેર ટ્રાફિક પોલીસે તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કર્યો હતો
ટ્રેનને જરૂરી પ્રાથમિકતા આપવામાં આવી હતી જેથી મુસાફરી દરમિયાન કોઈ વિલંબ ન થાય.અમદાવાદ રેલવે સ્ટેશને ટ્રેન પહોંચતાની સાથે જ શહેર ટ્રાફિક પોલીસે તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કર્યો હતો. કાલુપુર રેલવે સ્ટેશનથી યુ. એન. મહેતા હોસ્પિટલ સુધીનો સમગ્ર માર્ગ ટ્રાફિકમુક્ત રાખીને એમ્બ્યુલન્સને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.
રેલવે, પોલીસ અને આરોગ્ય વિભાગ વચ્ચેના સુમેળને કારણે આ સમગ્ર કામગીરી રેકોર્ડ સમયમાં પૂર્ણ થઈ હતી.યુ. એન. મહેતા હોસ્પિટલમાં હૃદય પહોંચતા જ નિષ્ણાત તબીબોની ટીમે દર્દીમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શરૂ કરી હતી. સર્જરી દરમિયાન તમામ જરૂરી તબીબી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર કામગીરીમાં રેલવે, પોલીસ અને મેડિકલ ટીમે દર્શાવેલો સંકલન અને સમયબદ્ધ આયોજન દેશભરમાં પ્રશંસાનો વિષય બન્યો છે.રેલવે, પોલીસ અને મેડિકલ ટીમના સુમેળથી ઐતિહાસિક કામગીરી સફળ, સમયસર હૃદય પહોંચતાં દર્દીને મળી નવી આશા.