Last Updated on by Sampurna Samachar
સરસ્વતી વિદ્યા મંદિરમાં ૮૪ વિદ્યાર્થીઓને બોલાવાયા
વાલીઓમાં ચિંતા અને અસંતોષ જોવા મળ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. તેમ છતાં શહેરની એક ખાનગી શાળા દ્વારા આ આદેશનું પાલન ન કરવામાં આવતાં વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં રજા હોવા છતાં આશરે ૮૪ વિદ્યાર્થીઓને શાળાએ હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા હતા અને નિયમિત શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આદેશનો હેતુ ભારે વરસાદ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. જોકે, આ ઘટનામાં શાળા સંચાલન દ્વારા જાહેરનામાની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ધોધમાર વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાના ર્નિણયને લઈને વાલીઓમાં ચિંતા અને અસંતોષ જોવા મળ્યો હતો.
વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અપીલ
ઘટનાની જાણ થતાં સંબંધિત અધિકારીઓ દ્વારા શાળા સંચાલનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન શાળાના ટ્રસ્ટીઓએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે તેમના વિસ્તારમાં વરસાદની તીવ્રતા ઓછી હોવાથી શાળા ચાલુ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
જોકે આ સ્પષ્ટતા બાદ પણ વાલીઓ અને સ્થાનિક નાગરિકોએ સવાલ ઉઠાવ્યા છે કે જિલ્લા સ્તરે જાહેર કરાયેલા આદેશનું પાલન દરેક શાળા માટે ફરજિયાત હતું. શિક્ષણ ક્ષેત્રના જાણકારોનું માનવું છે કે કુદરતી આફત અથવા અતિભારે વરસાદ જેવી પરિસ્થિતિમાં જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. આવા સમયે શાળાઓએ માત્ર સ્થાનિક પરિસ્થિતિને આધારે નહીં પરંતુ સરકાર અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિર્દેશોનું પાલન કરવું જોઈએ.
આ ઘટનાને પગલે અનેક વાલીઓએ જવાબદાર શાળા સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થવું જાેઈએ અને નિયમોના ઉલ્લંઘન બદલ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે.
જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓ શાળા સંચાલન પાસેથી ખુલાસો માંગે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો પ્રાથમિક તપાસમાં જાહેરનામાના ભંગની પુષ્ટિ થશે તો નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ભારે વરસાદની સ્થિતિ હજુ યથાવત હોવાથી તંત્રએ વાલીઓ અને શાળા સંચાલકોને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તેમજ વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. શિક્ષણ વિભાગે પણ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કુદરતી આપત્તિના સમયમાં જાહેર કરાયેલા આદેશોનું કડક પાલન દરેક શૈક્ષણિક સંસ્થા માટે ફરજિયાત છે.