Last Updated on by Sampurna Samachar
માછીમારો અને પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
સૌરાષ્ટ્ર અને જૂનાગઢ પંથકમાં ભારે વરસાદની આગાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ જિલ્લાના માંગરોળ દરિયાકિનારે વરસાદી માહોલમાં અચાનક હવામાનમાં પલટો આવતાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલી સરચાર્જ પરિસ્થિતિને પગલે દરિયામાં ૫ થી ૭ ફૂટ જેટલા ઊંચા તોફાની મોજા ઉછળવાનું શરૂ થયું છે. દરિયાના આ રૌદ્ર સ્વરૂપને જોતાં સ્થાનિક માછીમારો અને કિનારે વસતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

હવામાન વિભાગની કટોકટી અને દરિયામાં તોફાની પવનની શક્યતાઓને ધ્યાને રાખીને તંત્ર દ્વારા માંગરોળ બંદર પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સિગ્નલ લાગતાં જ માછીમારો અને પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા અને અત્યંત સાવચેત રહેવા માટે સ્પષ્ટ સૂચનાઓ જારી કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે દરિયામાં ગયેલી તમામ ફિશિંગ બોટોને પણ તાત્કાલિક કાંઠે પાછી બોલાવીને સુરક્ષિત રીતે બાંધી દેવામાં આવી છે.
સ્થાનિક તંત્ર અને કોસ્ટ ગાર્ડ એલર્ટ મોડ પર
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને જૂનાગઢ પંથકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને કોસ્ટ ગાર્ડ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ અણબનાવને પહોંચી વળવા માટે કોસ્ટલ સિક્યુરિટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દરિયાકિનારે સતત નિરીક્ષણ કરી રહી છે.