Last Updated on by Sampurna Samachar
ગુજરાત સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું
સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ વિશેષ ભરતી કરવાની યોજના
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં પોલીસ બનવાનુ સપનુ જોતાં યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યમાં પોલીસ ભરતી મામલે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને આગામી સમયમાં કુલ ૨૫,૬૦૦ પોલીસ કર્મચારીઓની સીધી ભરતી કરવામાં આવશે તેવી માહિતી આપી છે. રાજ્યમાં પોલીસ દળને વધુ મજબૂત બનાવવા તેમજ વધતી ગુનેગારીને નિયંત્રણમાં લેવા માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સરકારે હાઇકોર્ટને જણાવ્યું કે પ્રથમ તબક્કામાં ૨,૧૦૯ કોન્સ્ટેબલ સહિત વિવિધ પદો પર ભરતી કરવામાં આવશે. ઉપરાંત ગુનેગારી નિયંત્રણને વધુ અસરકારક બનાવવા માટે ૩૨ નવી પોસ્ટ પણ ઉભી કરવામાં આવશે. સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ જેવા આધુનિક ગુનાઓને પહોંચી વળવા આ વિભાગોમાં પણ વિશેષ ભરતી કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.
ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે ભરતી પ્રક્રિયા
સરકારે વધુમાં જણાવ્યું કે સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ વિભાગ માટે ઉચ્ચ શિક્ષિત અને ટેકનિકલ કુશળતા ધરાવતા નિષ્ણાતોની આઉટસોર્સિંગના આધારે નિમણૂક કરવામાં આવશે. હાઇકોર્ટે કરાર આધારિત ભરતી અંગે જવાબદારી અને દેખરેખ સંબંધિત પ્રશ્નો ઉઠાવતાં સરકારે સ્પષ્ટતા કરી હતી કે આવા અધિકારીઓની કામગીરીનું મોનિટરિંગ રાજ્યના પોલીસ મહાનિર્દેશકની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
સરકારના સોગંદનામા મુજબ પોલીસ વિભાગમાં બાકી રહેલી ૧૪,૨૮૩ જગ્યાઓ માટે બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ નવી ટેક્નોલોજી આધારિત તપાસ વ્યવસ્થાને અસરકારક બનાવવા માટે ભરતી પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવાની તૈયારી ચાલી રહી હોવાનું સરકારે હાઇકોર્ટને જણાવ્યું છે.