Last Updated on by Sampurna Samachar
ભાજપના ટોચના નેતાઓ અને મંત્રીઓની હાજરી
ઉપવાસ મુદ્દે મંત્રીનું મૌન
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે ખેડૂતોની નારાજગી અને સંભવિત આંદોલન સમેટી લેવા માટે ભાજપ દ્વારા એક મોટો રાજકીય દાવ ખેલવામાં આવ્યો છે. ગોંડલના પ્રખ્યાત BAPS અક્ષર મંદિર ખાતે ભાજપ પ્રેરિત એક ભવ્ય ‘ખેડૂત સંમેલન‘નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન પાછળનો મુખ્ય હેતુ ખેડૂતોમાં ફેલાયેલી નારાજગીને દૂર કરવાનો અને આગામી આંદોલનની ધાર બૂઠી કરવાનો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

અક્ષર મંદિર પરિસરમાં યોજાયેલા આ સંમેલનમાં ભાજપના નેતાઓ દ્વારા સરકારની ખેડૂતલક્ષી યોજનાઓની જોરશોરથી રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના પ્રયાસો અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેના ફાયદાઓ વિશે મોટા-મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા.
હાલ રાજ્યમાં ખેડૂતોમાં નારાજગી
આ ખેડૂત સંમેલનમાં ભાજપના ટોચના નેતાઓ અને મંત્રીઓએ ખાસ હાજરી આપી હતી. જેમાં ભાજપ પ્રદેશ અગ્રણી જગદીશ વિશ્વકર્મા, રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, વિવિધ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સહકારી આગેવાનોની હાજરી વચ્ચે સંગઠનને મજબૂત કરવા અને ખેડૂતોને રિઝવવા માટે મંથન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં ખેડૂતોમાં નારાજગી છે. જે કારણે મોટા ખેડૂત આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. આવામાં સત્તા પક્ષ દ્વારા ખેડૂતોની નારાજગી દૂર કરવા માટે ખેલાયેલો આ દાવ કેટલો કારગત નીવડશે, એતો આવનારો સમય બતાવશે.