Last Updated on by Sampurna Samachar
શ્રીલંકન બોલિંગ લાઇનઅપની કમર તોડી નાખી
પોતાની ઇનિંગમાં ૫ ચોગ્ગા અને ૫ સિક્સર ફટકારી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વૈભવ સૂર્યવંશીએ વનડે ક્રિકેટ ઈતિહાસની સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી દીધી છે. તેણે ટ્રાઈ સિરીઝની ફાઇનલમાં શ્રીલંકા A સામે માત્ર ૧૧ બોલમાં પચાસ રન પૂરા કર્યા હતા. ૫૦ રન પૂરા કરવા સુધીમાં તેણે પોતાની ઇનિંગમાં ૫ ચોગ્ગા અને ૫ સિક્સર ફટકારી હતી. વૈભવ અત્યાર સુધી ટ્રાઈ સિરીઝમાં એક પણ અડધી સદી નહોતો ફટકારી શક્યો, પરંતુ ફાઇનલમાં તેણે શ્રીલંકન બોલિંગ લાઇનઅપની કમર તોડી નાખી.

વૈભવ સૂર્યવંશીએ ઇનિંગની ચોથી ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને ૪ ઓવરમાં ટીમ ઇન્ડિયા ૭૬ રન બનાવી ચૂકી હતી. આશ્ચર્યની વાત એ રહી કે વૈભવે માત્ર બાઉન્ડ્રીઝ (ચોગ્ગા-છગ્ગા) થી જ પોતાની અડધી સદી પૂરી કરી અને શરૂઆતની ૧૧ ગેંદોમાં તેણે માત્ર એક જ બોલ ડોટ રમી હતી. આ પહેલા લિસ્ટ છ ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ૧૨ બોલમાં બની હતી.
તમામ ટીકાકારોના મોં બંધ કરવાનું કામ કર્યું
આ સિરીઝમાં દરેકની નજર વૈભવ સૂર્યવંશી પર હતી. ખાસ કરીને એટલા માટે, કારણ કે તેની ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ભારતીય સ્ક્વોડમાં પસંદગી કરવામાં આવી છે. પરંતુ પહેલી ચાર મેચમાં તેનો સ્કોર ૧૪, ૪૪, ૨૧, ૩૮ રહ્યો હતો. તે ચાર મેચોમાં માત્ર ૧૧૭ રન જ બનાવી શક્યો હતો, પરંતુ ફાઇનલમાં તેણે ધુઆંધાર બેટિંગ કરીને તમામ ટીકાકારોના મોં બંધ કરવાનું કામ કર્યું.
શ્રીલંકા A સામેની મેચમાં વૈભવ ૯ મી ઓવરમાં આઉટ થયો હતો. વૈભવ આઉટ થયો ત્યાં સુધીમાં ભારતીય ટીમ ૮.૫ ઓવરમાં ૧૩૨ રન બનાવી ચૂકી હતી. વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકા A સામેની ફાઇનલમાં ૨૯ બોલ રમીને ૯૪ રન બનાવ્યા હતા. IPL ૨૦૨૬ ના આંકડાઓને પણ ઉમેરીને જોવામાં આવે તો, છેલ્લી ૭ ઇનિંગ્સમાં આ ત્રીજી વખત છે જ્યારે વૈભવ સૂર્યવંશી નર્વસ નાઇન્ટીઝનો શિકાર બન્યો છે.
યાદ અપાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં વૈભવ ક્રમશ: ૯૬ રન અને ૯૭ રન બનાવીને આઉટ થયો હતો. વૈભવ સૂર્યવંશીએ વિસ્ફોટક ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયા માટે પોતાના દાવેદારી મજબૂત કરી લીધી છે. હવે જોવાનું એ રહેશે કે તેને પ્લેઈંગ ઈલેવનમા જગ્યા મળે છે કે નહીં. કારણ કે છેલ્લા ઘણા સમયથી સંજુ સેમસન અને અભિષેક શર્મા સારી શરુઆત અપાવી રહ્યા છે. એવામાં વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં લેવામાં આવે તો બેમાંથી કોઈ એકને નીચે બેટીંગ કરવી પડશે.