Last Updated on by Sampurna Samachar
નર્મદાના નલિયા ગામ નજીક બન્યો બનાવ
બે યુવકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાંથી પસાર થતાં રસ્તા પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વાત કરીએ તો નલિયા ગામ નજીકથી પસાર થઈ રહેલી મોટરસાઇકલ અચાનક રેલવે બ્રિજની દીવાલ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના કૂચેકૂચા નીકળી ગયા હતા અને બાઇકનો આગળનો ભાગ તૂટીને કેટલાય ફૂટ દૂર જઈને પડ્યો હતો.

બ્રિજની દીવાલ સાથે જોરદાર ટક્કર વાગતાં બાઇક પર સવાર બંને વ્યક્તિઓને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
તિલકવાડા પોલીસે ગુનો નોંધ્યો
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃત્યુ પામનાર બંને વ્યક્તિઓ નર્મદા જિલ્લાના જ ગરુડેશ્વર તાલુકામાં આવેલા ઝરવાણી ગામના વતની હતા. એકસાથે ગામના બે વ્યક્તિઓના અકસ્માતમાં મોત થતાં ઝરવાણી ગામમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.