Last Updated on by Sampurna Samachar
ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી
આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી શહેરમાં બે સગાં ભાઇઓ વચ્ચે લોહિયાળ ખેલમાં હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત કરીએ તો શહેરના એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બે સગા ભાઈઓ વચ્ચે થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે એક ભાઈએ બીજા ભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો. આ ઘટનામાં ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર, અમરેલી બસ સ્ટેન્ડ નજીક રહેતા બે ભાઈઓ વચ્ચે મોડી રાત્રે કોઈ કારણસર બોલાચાલી શરૂ થઈ હતી. સામાન્ય તકરાર થોડા જ સમયમાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. વિવાદ દરમિયાન એક ભાઈએ ગુસ્સામાં આવી તીક્ષ્ણ હથિયાર વડે પોતાના ભાઈ પર હુમલો કર્યો હતો.હુમલા માં મનોજ વણોદિયા નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. શરીરના વિવિધ ભાગોમાં ઘા લાગતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
હત્યા પાછળના કારણ મામલો તપાસ શરૂ
ઘટનાની માહિતી મળતા જ અમરેલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે વિસ્તારમાં નાકાબંધી ગોઠવી અને આરોપી ફરાર થાય તે પહેલાં જ તેને ઝડપી લીધો હતો. હાલ આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને ભાઈઓ વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો હતો અને હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.