Last Updated on by Sampurna Samachar
આંગળીમાં ફ્રેક્ચરના કારણે ટીમમાંથી બહાર થયો
રિપ્લેસમેન્ટ ખેલાડીના નામનું એલાન નથી કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૫ની સીઝન હાલમાં ખૂબ જ રોમાંચક દોરમાંથી પસાર થઈ રહી છે, જેમાં ૧૦ માંથી ૯ ટીમો પ્લેઓફમાં પહોંચવાની રેસમાં સામેલ છે. તેમાં જ એક નામ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળની પંજાબ કિંગ્સની ટીમનું છે. પંજાબે અત્યાર સુધીમાં ૧૦ માંથી ૬ મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. આ વચ્ચે પંજાબ કિંગ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલ આખી સીઝન માટે બહાર થઈ ગયો છે.
પંજાબ કિંગ્સની ટીમે ૧ મે ના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને ગ્લેન મેક્સવેલ IPL ૨૦૨૫ સીઝનની બાકીની મેચોમાંથી બહાર થવાની સત્તાવાર માહિતી આપી. બીજી તરફ તેમણે મેક્સવેલના સ્થાને કોઈપણ રિપ્લેસમેન્ટ ખેલાડીના નામનું એલાન નથી કર્યું. પંજાબ કિંગ્સ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું છે કે, ‘ આંગળીના ફ્રેક્ચરના કારણે મેક્સવેલ બાકી રહેલી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. અમે તેના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.
આ સિઝનમાં તે ફ્લોપ રહ્યો
તમને જણાવી દઈએ કે, ગ્લેન મેક્સવેલને IPL ૨૦૨૫ની મેગા હરાજીમાં પંજાબે ૪.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જો આપણે IPL ૨૦૨૫ સીઝનમાં ગ્લેન મેક્સવેલના પ્રદર્શન પર નજર કરીએ તો તે આ સીઝનમાં ફ્લોપ રહ્યો છે, જેમાં તેણે ૬ ઈનિંગ્સમાં ૮ ની એવરેજથી માત્ર ૪૮ રન બનાવ્યા, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ ૯૭.૯૫ હતો.
બોલિંગમાં મેક્સવેલ છ ઈનિંગ્સમાં ૨૭.૫ની એવરેજથી ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. મેક્સવેલને તેના ખરાબ પ્રદર્શનને કારણે ઘણા પૂર્વ ખેલાડીઓની ટીકાનો પણ સામનો કરવો પડ્યો છે. પંજાબ કિંગ્સની ટીમ હાલમાં IPL ૨૦૨૫ ના પોઈન્ટ ટેબલમાં ૧૦ મેચમાં ૧૩ પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. હવે તે ૪ મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ સામે પોતાની આગામી મેચ રમશે.