Last Updated on by Sampurna Samachar
અંકલેશ્વરના દઢાલ ગામની પરિણીતાનો આપઘાત
દહેજની માંગણી અને ત્રાસના કારણે ભર્યું આ પગલું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામેથી પરિણીતાના આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાત કરીએ તો દઢાલ ગામે રહેતી એક પરણીતાએ સાસરિયા પક્ષના અસહ્ય ત્રાસથી કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પરણીતાના આપઘાત બાદ તેના પિતાએ સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, લગ્ન બાદથી જ પરણીતાને પિયરમાંથી વધુ દહેજ અને કિંમતી ચીજવસ્તુઓ લાવવા બાબતે સાસરિયાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હતું.
પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી સહિત તમામ ૫ ની ધરપકડ
દહેજની ભૂખ સંતોષવા માટે પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી દ્વારા ભેગા મળીને પરણીતાને અવારનવાર મેણા-ટોણા મારવામાં આવતા હતા અને તેને અસહ્ય શારીરિક તેમજ માનસિક યાતનાઓ આપવામાં આવતી હતી. આ રોજ-રોજના ત્રાસ અને ઘરકંકાસથી કંટાળીને આખરે પરણીતાએ આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હતું.
દીકરી ગુમાવનાર પિતાની આક્રંદભરી ફરિયાદના આધારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી તપાસનો દોર હાથ ધર્યો હતો. પોલીસે દહેજ ઉત્પીડન અને આપઘાતની દુષ્પ્રેરણા આપવાના ગુના હેઠળ પરણીતાના પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી સહિત તમામ ૫ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે પુરાવાઓ એકત્રિત કરવા અને કડક સજા અપાવવા માટે આગળની તપાસ તેજ કરી દીધી છે.