Last Updated on by Sampurna Samachar
તંત્ર સાથે સ્થાનિક લોકોનો રોષ
શીલજ સર્કલ પાસે ખોદકામના કારણે અચાનક જમીન બેસી ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શીલજ પંથકમાં સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. શીલજ સર્કલ પાસે આવેલા મુખ્ય આર્યમાન બંગલો રોડ પર અચાનક જમીન ધસી જવાની ઘટના સામે આવતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આસપાસ ચાલી રહેલા કોઈ પ્રોજેક્ટના ખોદકામના કારણે આ આખી ઘટના બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શીલજ સર્કલથી આર્યમાન બંગલો તરફ જતા મુખ્ય માર્ગની સાઈડમાં મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ અને આ આડેધડ ખોદકામના કારણે રોડની સાઈડની માટી અંદરથી સરકી ગઈ હતી, જેના લીધે આખો રસ્તો અને તેની આસપાસની જમીન અચાનક જ મોટા ભુવા સ્વરૂપે બેસી ગઈ હતી. સદનસીબે જ્યારે આ જમીન ધસી પડી ત્યારે ત્યાંથી કોઈ વાહન પસાર થઈ રહ્યું નહોતું, નહિતર કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકત અને જાનહાની થઈ શકી હોત.
રોડની આસપાસ બેરિકેડ્સ મૂકાયા
આ રોડ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે, ત્યારે રોડની બિલકુલ સાઈડમાં જ જમીન બેસી જતાં વાહનચાલકો માટે મોટું જોખમ ઊભું થયું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક લોકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. લાલિયાવાડી અને નબળી કામગીરીને કારણે જ આ સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
હાલમાં સુરક્ષાના ભાગરૂપે આ રોડની આસપાસ બેરિકેડ્સ મૂકવાની અને જમીન ધસવાના કારણોની તપાસ હાથ ધરાઇ.