Last Updated on by Sampurna Samachar
પાલીતાણાના વડીયા નજીક ગમખ્વાર અકસ્માત
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગરના પાલીતાણા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પાલીતાણાના વડીયા ગામ નજીકથી પસાર થઈ રહેલા એક બાઈક સવાર શિક્ષકને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચલાવી રહેલા શિક્ષકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ધોળા દિવસે બનેલી આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

આ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ વ્યવસાએ શિક્ષક હતા. તેમનું નામ અશ્વિનભાઈ ચાવડા હતું. તેઓ પોતાના મોટરસાયકલ પર સવાર થઈને જઈ રહ્યા હતા તે દરમિયાન વડીયા નજીક આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે અશ્વિનભાઈએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
સમગ્ર પંથકના શિક્ષણ આલમમાં શોકનુ મોજુ ફરી વળ્યું
એક કર્મનિષ્ઠ શિક્ષકના અકાળે અવસાનના સમાચાર વહેતા થતાં જ સમગ્ર પંથકના શિક્ષણ આલમમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે મૃતક શિક્ષક અશ્વિનભાઈના મૃતદેહને કબજે કરીને પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. આ અકસ્માત કયા વાહન સાથે અને કેવી પરિસ્થિતિમાં સર્જાયો તે અંગેની સાચી માહિતી મેળવવા માટે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.