Last Updated on by Sampurna Samachar
સ્થાનિકોના આરોગ્ય સાથે ચેડાં
ગંદા પાણીની સમસ્યાના કાયમી નિરાકરણની સ્થાનિકોની માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના તંત્રના દાવાઓ વચ્ચે શહેરના વોર્ડ નંબર-૮માંથી વાસ્તવિક સ્થિતિ દર્શાવતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જયઅંબે સોસાયટી અને પાયલ સોસાયટી વિસ્તારમાં ગંદા પાણીના ભરાવાને કારણે સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં નરક જેવી સ્થિતિ સર્જાઈ છે.

સોસાયટીના રસ્તાઓ પર ગંદુ પાણી ભરાઈ રહેતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. સૌથી ગંભીર ઘટના ત્યારે સામે આવી જ્યારે ઇમરજન્સી સેવા આપતી ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ગંદા પાણીના ભરાવાને કારણે સોસાયટીની અંદર પ્રવેશી શકી ન હતી.
લાંબા સમયથી ગંદા પાણીની સમસ્યા યથાવત
બીમાર દર્દીને સારવાર માટે લઈ જવા માટે પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દૂષિત પાણીમાંથી પસાર કરીને દર્દીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી ગંદા પાણીની સમસ્યા યથાવત છે, પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. ચોમાસામાં આ સમસ્યા વધુ ગંભીર બની જાય છે અને રહેવાસીઓના આરોગ્ય પર પણ તેની સીધી અસર પડી રહી છે.
ગંદા પાણીના ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળા ફાટી નીકળવાની ભીતિ પણ વધી છે. લોકોની માગ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરે અને કાયમી ઉકેલ લાવે.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાના વિકાસના દાવાઓ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓની સ્થિતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. રસ્તા, ડ્રેનેજ અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાના કારણે નાગરિકોમાં અસંતોષ વધી રહ્યો છે.
હાલ સ્થાનિક રહીશો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી અને ગંદા પાણીની સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી રહ્યા છે. આગામી દિવસોમાં મહાનગરપાલિકા આ સમસ્યા અંગે શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.