Last Updated on by Sampurna Samachar
ભારે વરસાદના કારણે ધાતરવડી નદીમાં પૂર
તંત્ર પાસે બચાવ કામગીરી અને મદદની ગુહાર લગાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મચાવેલા હાહાકાર વચ્ચે રાજુલા પંથકમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ રાજુલાના વડ ગામ પાસેથી પસાર થતી ધાતરવડી નદીમાં પૂર આવવાના કારણે પાણીનો પ્રવાહ પ્રચંડ બન્યો છે. ધસમસતા પાણીના પ્રવાહને કારણે ગામની રક્ષા કરતો સંરક્ષણ પાળો અચાનક તૂટી પડ્યો છે. પાળો તૂટવાની આ ઘટનાને પગલે સમગ્ર વડ ગામના લોકોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ ફેલાઈ ગયો છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ધાતરવડી નદીના પાણી ગામ તરફ આગળ વધતાં વડ ગામનો મજબૂત પાળો તૂટ્યો હતો, પાણીના પ્રવાહે ગામના સ્મશાનને પણ પોતાની ઝપેટમાં લીધું છે, જેના કારણે સ્મશાનની મિલકતો અને કમ્પાઉન્ડ વોલને ભારે નુકસાન પહોંચ્યું છે. પાળો તૂટી જતાં હવે નદીના પૂરના પાણી સીધા ગામની અંદર ઘૂસી રહ્યા છે.
વધતા પ્રવાહથી ગામલોકો ચિંતામાં મુકાયા
ગામના આગેવાનો અને રહીશોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો નદીનો પ્રવાહ આ જ ગતિએ આગળ વધશે, તો વડ ગામના તમામ નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ જશે અને સેંકડો ઘરો પાણીમાં ગરકાવ થઈ જશે. પૂરની આ ભયાનક સ્થિતિ અને ગામ પર તોળાતા ડૂબવાના સંકટને જોતાં, ગ્રામજનોએ આક્રોશ સાથે વહીવટી તંત્ર પાસે તાત્કાલિક બચાવ કામગીરી અને મદદની ગુહાર લગાવી છે. હાલમાં ગામલોકો પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતામાં મુકાયા છે.