Last Updated on by Sampurna Samachar
રૂ. ૩૬૭૭ કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત થયા
સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩ નું ખાતમુહૂર્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે PM મોદીના અધ્યક્ષસ્થાને આયોજિત ૨૦ વર્ષ શહેરી વિકાસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા હતા. તેમના હસ્તે રૂ. ૧૮૫૯ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ. ૩૬૭૭ કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત થયા હતા.
તેમજ ૧૭ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. ૨૭૩૧ કરોડના ચેક અપાયા હતા. વિવિધ કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૧૦૦૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૨૨ હજારથી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૧૭ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. ૨૭૩૧ કરોડ અને ૧૪૯ મ્યુનિસિપાલિટીને રૂ. ૫૬૯ કરોડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ, જામનગર, સુરત સહિતના પ્રકલ્પો લોકાર્પિત
અમદાવાદ ખાતે રૂ. ૧ હજાર કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩ નું ખાતમુહૂર્ત પણ થયું હતું. આ ઉપરાંત, શહેરી વિકાસ વિભાગ હેઠળ જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢના કુલ રૂ.૧૪૪૭ કરોડના અલગ અલગ પ્રકલ્પો પણ લોકાર્પિત કરાયા હતા.
જળ સંસાધન વિભાગ હેઠળ રૂ. ૧૮૬૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ, સુરતના કાંકરા-ખાડીના કિનારે રૂ. ૧૪૫ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બાયોડાયવર્સિટી પાર્કનું લોકાર્પણ થયું હતું, જ્યારે માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ.૧૭૦ કરોડના પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ કરાયો હતો.
બનાસકાંઠામાં રૂ. ૮૮૮ કરોડના ખર્ચે બનનારી થરાદ ધાનેરા પાઇપલાઇન, રૂ.૬૭૮ કરોડના ખર્ચે દિયોદર લાખણી પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરાયા હતા. ગાંધીનગરમાં રૂ. ૮૪ કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ, અમદાવાદમાં રૂ. ૫૮૮ કરોડના ખર્ચે ૧૮૦૦ બેડ ધરાવતા IPD સાથે ૫૦૦ બેડની સુવિધા સાથેના ચેપી રોગ માટેના OPD બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.