Last Updated on by Sampurna Samachar
વેપારીની આંખમાં મરચું નાંખી કરી હતી લૂંટ
પોલીસે આગળની તજવીજ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં વારસિયા રિંગરોડ પર જાન્યુઆરી મહિનામાં સિનિયર સિટિઝન વેપારીની આંખમાં મરચું નાંખી ૧૦ લાખની રોકડ અને વિદેશી ચલણી નોટોની લૂંટનો બનાવ બન્યો હતો. જે અંગેના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે રેકી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ વારસિયાની ચતુરપાર્ક સોસાયટીમાં રહેતા અને કારેલીબાગમાં દુકાન ધરાવતા લીલારામ રેવાણી ગત ૧૬મી જાન્યુઆરીએ રાત્રે દુકાનેથી કારમાં ઘેર પરત ફર્યા ત્યારે ઘરની બહાર કારમાં ઉતરતાં જ સ્કૂટર અને બાઇક લઇ આવેલા લૂંટારાએ તેમની આંખમાં મરચું નાંખી રોકડા રૂ.૧૦ લાખ અને જુદાજુદા દેશોની ચલણી નોટો અંદાજે રૂ.૨ કરોડની કિંમતની લૂંટી લીધી હતી.
આણંદના પાંચ લૂંટારા તેમજ વડોદરાના બે સૂત્રધાર
એક લૂંટારો સ્થળ પર પકડાઇ જતાં બીજા પણ લૂંટારાને પોલીસે ઝડપી પાડી લૂંટની રકમ કબજે કરી હતી. જ્યારે વેપારીના વિદેશી નોટોના ગેરકાયદે ધંધા અંગે ઇડીને જાણ કરાઇ હતી. આ બનાવમાં પોલીસે માસ્ટર માઇન્ડ વિનોદ ઉર્ફે બિલ્લો રાજુ મારવાડી સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસની તપાસમાં આણંદના પાંચ લૂંટારા તેમજ વડોદરાના બે સૂત્રધાર વિનોદ અને રાહુલ મારવાડી વચ્ચે સુરજ મનોજ સલાટે મીટીંગ કરાવી હતી અને વેપારીના મકાનની રેકી પણ કરી હોવાની વિગતો બહાર આવી હતી. જેથી વોન્ટેડ સૂરજને પોલીસે ઝડપી પાડી રિમાન્ડ પર લેવાની તજવીજ કરી છે.