Last Updated on by Sampurna Samachar
દુર્ઘટનામાં બાઇક સવાર અને રાહદારી મહિલા ઘાયલ
બનાવથી વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે ભયનો માહોલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હારીજના મુખ્ય બજારમાં આવેલા એક શોપિંગ સેન્ટરની ત્રણ દુકાનોની છત અચાનક જમીનદોસ્ત થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જે ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર પાટણના હારીજ શહેરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હારીજના ભરચક મુખ્ય બજારમાં શોપિંગ સેન્ટરની છત ભયાનક અવાજ સાથે ધરાશાઇ થઇ હતી. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક બાઇક સવાર અને એક મહિલા આ કાટમાળની ઝપેટમાં આવી ગયા હતા. છતનો સ્લેબ સીધો બાઇક પર પડતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે નજીકમાં ઉભેલી મહિલા પણ કાટમાળ નીચે દબાતા ઇજાગ્રસ્ત થઈ હતી.
દુર્ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નહીં
દુર્ઘટના સર્જાતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બનાવને પગલે આસપાસથી લોકોએ દોડી આવી કાટમાળ હટાવીને નીચે ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈની જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે.