Last Updated on by Sampurna Samachar
વાલીઓ મોંઘા ભાવે વસ્તુઓ ખરીદવા મજબૂર
વેપારીઓએ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હજુ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ નથી ને નવસારી શહેરની એક ખાનગી શાળામાં વિવાદ સર્જાયો છે. ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી અને પ્રાઈવેટ પબ્લિકેશનના પુસ્તકો ફરજિયાત વેચાણ કરાવવાના મુદ્દે ભારે વિવાદ ઊભો થયો છે. “ભણતર”ના નામે ચાલી રહેલી આ વ્યવસાયિક પ્રવૃત્તિ સામે હવે સ્ટેશનરી વેપારીઓએ ખુલ્લો મોરચો ખોલ્યો છે. નવસારી સ્ટેશનરી મર્ચન્ટ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરીને શાળાઓમાં ચાલતા આ કથિત ગેરકાયદેસર વેચાણને તાત્કાલિક બંધ કરાવવા માંગ ઉઠાવવામાં આવી છે.

એસોસિએશનના આગેવાનોના જણાવ્યા મુજબ નવસારી તેમજ આસપાસની અનેક ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને સીધા જ નોટબુક, સ્ટેશનરી અને પ્રાઈવેટ પબ્લિકેશનના પુસ્તકો વેચી રહી છે. કેટલીક શાળાઓ તો ફીમાં જ કીટ “વિનામૂલ્યે” આપવાનો દાવો કરીને વાલીઓને ભ્રમિત કરી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
વેપારી એસોસિએશને આંદોલનની ચીમકી ઉચ્ચારી
વેપારીઓનો આરોપ છે કે શાળાઓ દ્વારા ચોક્કસ સ્થળેથી જ સામાન ખરીદવા દબાણ કરાય છે, જેના કારણે વાલીઓ મોંઘા ભાવે વસ્તુઓ ખરીદવા મજબૂર બની રહ્યા છે. વેપારીઓએ વધુમાં આક્ષેપ કર્યો કે શાળાઓમાં વેચાતા સામાનના યોગ્ય બિલ આપવામાં આવતા નથી, જેના કારણે સરકારને ટેક્સની આવકમાં પણ નુકસાન થઈ રહ્યું છે.
બીજી તરફ, વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા નાના સ્ટેશનરી વેપારીઓની આજીવિકા પર ગંભીર અસર પડી રહી છે. શહેરમાં ૮૦થી વધુ સ્ટેશનરી અને પાઠ્યપુસ્તક વેચનાર દુકાનો હોવા છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં તેમનો ધંધો અંદાજે ૭૦ ટકા સુધી ઘટ્યો હોવાનું એસોસિએશને જણાવ્યું છે.
એસોસિએશનના પ્રમુખ હેમલ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી આ મુદ્દે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે માંગ કરી હતી કે તમામ શાળાઓ પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરીની યાદી જાહેર કરે તથા વાલીઓને ઓપન માર્કેટમાંથી ખરીદી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે. જો વહીવટી તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.