Last Updated on by Sampurna Samachar
આશરે ૨,૦૦૦ વીઘાથી વધુ જમીનમાં વાવેતર નષ્ટ
ઈગોરાળા અને મયાપુરમાં કપાસ-મગફળી નિષ્ફળ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબીના હળવદ તાલુકામાં ભારે વરસાદના લીધે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. વાત કરીએ તો હળવદ તાલુકાના ઈગોરાળા અને મયાપુર ગામની સીમમાં આવેલા ખેતરોમાં નીચાણવાળા ભાગોમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહ્યા હતા. ખેતરો તળાવમાં ફેરવાઈ જતાં પાકના મૂળિયાં કોહવાઈ ગયા હતા. હવે જ્યારે કાળઝાળ તાપ વચ્ચે ખેતરોમાંથી પાણી ઓસરવાનું શરૂ થયું છે, ત્યારે વાસ્તવિક અને ભયાનક ચિત્ર સામે આવ્યું છે.

સતત પાણીમાં ડૂબેલા રહેવાના કારણે ખેતરોમાં ઉભેલો કપાસ, મગફળી અને એરંડાનો લીલોછમ પાક તદ્દન સુકાઈને કાળો પડી ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ આ બંને ગામોની સીમમાં જ આશરે ૨,૦૦૦ વીઘાથી વધુ જમીનમાં વાવેતર સાવ નષ્ટ થઈ ચૂક્યું છે.
સર્વે ટીમ મોકલીને વળતર આપવાની તંત્રને માંગ
મોંઘાદાટ બિયારણ, ખાતર, ખેડ અને મજૂરીનો મોટો ખર્ચ કરીને મહામહેનતે ઉગાડેલો પાક પોતાની નજર સામે જ નાશ પામતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. એક તરફ ખેતીનો જૂનો ખર્ચ માથે પડ્યો છે અને બીજી તરફ પાક નિષ્ફળ જતાં હવે ફરીથી નવેસરથી વાવણી કરવી પડે તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે, જેને પગલે ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઇ છે.
ઈગોરાળા અને મયાપુરના ખેડૂતોએ તંત્ર સામે રોષ ઠાલવતાં જણાવ્યું છે કે, જો સમયસર સરકારી અધિકારીઓ દ્વારા નુકસાનીનો સ્થળ પર જઈને આંકડો મેળવવામાં નહીં આવે તો ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ જશે. ખેડૂતોએ જિલ્લા કલેક્ટર અને કૃષિ વિભાગ પાસે માગ કરી છે કે હળવદના આ બંને ગામોમાં તાત્કાલિક ધોરણે સ્પેશિયલ સર્વે ટીમ મોકલીને વળતર આપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે.