Last Updated on by Sampurna Samachar
ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના ઘર સામે ધરણા પર
૮ જેટલા ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર પંથકમાંથી ખેડૂતોના પ્રશ્ને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગર ઉંડ-૧ સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની કેનાલના ફલ્લા સેક્શન હેઠળ આવતા ગામોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની પ્રબળ માંગ સાથે ખેડૂતો મેદાને ઉતરી આવ્યા છે.

જ્યાં પૂરતુ પાણી ન મળવાના કારણે ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ફલ્લા સેક્શન અંતર્ગત સોયલ, મજાેઠ, નેસડા, વાવડી અને લીંબુડા સહિતના કુલ ૮ જેટલા ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ગામોના સ્થાનિક ડેમો તથા નાના ચેકડેમોમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતોને પાક સંરક્ષણ અને સિંચાઈ માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે.
વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી માંગ
ખેડૂતોની આ ગંભીર સમસ્યાને લઈને ફલ્લા સેક્શનના ખેડૂતો સ્થાનિક ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં માંગણીઓ સંતોષવામાં આવે તે માટે ખેડૂતો દ્વારા ધારાસભ્યના ઘર સામે જ બેસીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની સ્પષ્ટ માગ છે કે, સૌની યોજના અથવા અન્ય ઉપલબ્ધ ડેમમાંથી ફલ્લા સેક્શનની કેનાલમાં વહેલી તકે પાણી છોડવામાં આવે, જેથી તેમના ઊભા પાકને બચાવી શકાય.