Last Updated on by Sampurna Samachar
રાજકોટ SOG ટીમનો કેવડાવાડી વિસ્તારમાં દરોડો
ઘીનો જથ્થો સ્થળ પર જ સીઝ કરી દેવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ શહેરમાં SOG પોલીસની ભેળસેળિયા વેપારીઓ સામે તવાઇ બોલાવી છે. SOG ની ટીમે રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં આવેલી ‘વોલ્ગા ઘી’ નામની જાણીતી દુકાનમાં આકસ્મિક દરોડો પાડીને મોટા પ્રમાણમાં શંકાસ્પદ અને ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી ૫૦૦ કિલોથી પણ વધુ પ્રમાણમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી મળી આવ્યું હતું. આ ઘીના જથ્થામાં વનસ્પતિ ઘી અને અન્ય શંકાસ્પદ પદાર્થોનું મિશ્રણ કરીને તેને ગાય તથા અન્ય પશુઓના શુદ્ધ દેશી ઘીના નામે ગ્રાહકોને ઊંચા ભાવે વેચવામાં આવતું હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે.
બે લાખ ઉપરાંતનો ઘી નો જથ્થો સીઝ કરાયો
દરોડા દરમિયાન દુકાન/પેઢીના સંચાલક વેપારી કેવલ જયપ્રકાશ ચંદાણી હાજર મળી આવ્યા હતા. ર્જીંય્ પોલીસે તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અને ફેક્ટરી ઇન્સ્પેક્શન વિભાગને બનાવ અંગે જાણ કરી સ્થળ પર બોલાવ્યા હતા.
મનપાના આરોગ્ય અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચી ઘી તથા વનસ્પતિના અલગ-અલગ શંકાસ્પદ નમુનાઓ મેળવી તેને પબ્લિક એનાલિસ્ટ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પરથી મળી આવેલ કુલ રૂ. ૨,૮૩,૦૦૦ ની કિંમતનો ઘીનો જથ્થો સ્થળ પર જ સીઝ કરી દેવામાં આવ્યો છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.