Last Updated on by Sampurna Samachar
બોગસ અને બનાવટી દસ્તાવેજો રજૂ કરી આચર્યુ કૌભાંડ
શાળા મંડળ અને સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ‘સંત શ્રી રઘુવરદાસ અંગ્રેજી પ્રાથમિક શાળા‘ સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરીને તેની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરી દીધી હોવાનુ સામે આવ્યુ છે. તપાસ દરમિયાન ચોંકાવનારો પર્દાફાશ થયો હતો કે, શાળા મંડળ દ્વારા ધોરણ ૧ થી ૮ નું અંગ્રેજી માધ્યમ શરૂ કરવા માટે બનાવટી અને બોગસ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.

શાળાની મંજૂરીના સરકારી આદેશોમાં જે સમયગાળો દર્શાવવામાં આવ્યો હતો, તે સમયે જે-તે પદ પર ફરજ ન બજાવતા હોય તેવા અધિકારીઓના પણ ખોટા સહી-સિક્કા મળી આવ્યા હતા. કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થતાં શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા શાળાની માન્યતા રદ કરવાનો આકરો ર્નિણય લેવામાં આવ્યો હતો.
વાલીઓની ચિંતા દુર કરવા તંત્રની જાહેરાત
માનિયતા રદ થતાં જ શાળા મંડળ દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હોવા છતાં આ ર્નિણય સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે, કેસની ગંભીરતા ધ્યાને લઈને હાઇકોર્ટે શાળા મંડળને કોઈ પણ પ્રકારનો સ્ટે આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અદાલતી રાહત ન મળતાં હવે વહીવટી તંત્ર દ્વારા કૌભાંડી શાળા મંડળ અને સંચાલકો સામે કડક ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બીજી તરફ, શાળામાં અભ્યાસ કરતા માસૂમ બાળકો અને તેમના વાલીઓની ચિંતા દૂર કરતાં તંત્રએ મહત્વની જાહેરાત કરી છે. શાળામાં અભ્યાસ કરતા અંદાજે ૨૦૦ જેટલા સામાન્ય વિદ્યાર્થીઓ તેમજ RTE હેઠળ અભ્યાસ કરતા બાળકોનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે માટે તેમને તુરંત જ નજીકની અન્ય સરકારી કે માન્યતા પ્રાપ્ત શાળાઓમાં ટ્રાન્સફર કરવાની વિશેષ ગોઠવણ કરવામાં આવી છે.