Last Updated on by Sampurna Samachar
એક જ મહિનામાં એ જ દુકાનમાં ફરી મોટી ચોરી
ભરૂચના રાજપારડી ખાતે ‘પિયુષ એજન્સી‘ માં ચોરીની ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. વાત કરીએ તો રાજપારડીમાં આવેલી ‘પિયુષ એજન્સી‘ નામની હોલસેલની દુકાનના માલિકે સવારે રાબેતા મુજબ દુકાન ખોલી હતી. દરમિયાન એક અજાણ્યો શખ્સ સિગારેટ લેવાના બહાને દુકાને આવ્યો હતો. દુકાનદાર કોઈ કામ અર્થે પાછળના ભાગે આવેલા બાથરૂમમાં ગયા તે જ ક્ષણનો લાભ ઉઠાવીને આ ચાલાક ગઠીયો દુકાનમાં રાખેલી રૂ. ૧૫ લાખની રોકડ રકમ ભરેલી બેગ લઈને ક્ષણવારમાં ગાયબ થઈ ગયો હતો.

દુકાનદાર બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે કાઉન્ટર પરથી ૧૫ લાખ ભરેલી રોકડ બેગ ગાયબ જોઈને તેમના ગભરાઇ ગયો હતો. જ્યાં આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં તસ્કરનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
પોલીસે ચાલાક ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા
ચોંકાવનારી બાબત એ છે કે રાજપારડીની આ જ ‘પિયુષ એજન્સી’માં ચોરીનો આ કોઈ પહેલો બનાવ નથી. બરાબર એક મહિના અગાઉ પણ આ દુકાનમાંથી રૂ. ૯૮,૦૦૦ ની કિંમતના સિગારેટના પેકેટો ચોરાયા હોવાની સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
એક જ મહિનાના ટૂંકા ગાળામાં ફરી એક વાર આ જ દુકાનને નિશાન બનાવી રૂ. ૧૫ લાખની મોટી મત્તાની ઉઠાંતરી કરવામાં આવતાં સ્થાનિક વેપારીઓમાં ભારે ફાળ પડી છે.ઘટનાની જાણ થતાં જ રાજપારડી અને ઝઘડિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દુકાન તથા આસપાસના મુખ્ય માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને ગ્રાહકના સ્વાંગમાં આવેલા ચાલાક તસ્કરની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.