Last Updated on by Sampurna Samachar
ડીસા અને રાજસ્થાનમાંથી મુખ્ય આરોપીની ધરપકડ
બોગસ ઇન્વેસ્ટમેન્ટ કંપની બનાવી લોકોના કરોડો પડાવ્યાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને થોડુ રોકાણ કરી મોટો નફો આપતા જાહેરાતો પર જલ્દી ભરોસો આવી જાય છે. જ્યાં રોકાણ કરી દીધા પછી પૈસા જાય ત્યારે મોટો ફટકો લાગે છે. ત્યારે આવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેરબજારમાં રોકાણ અને આકર્ષક કમાણીની ટિપ્સ આપતી જાહેરાતોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. લોકો આવી આકર્ષક જાહેરાતોમાં પોતાના નાણાં ગુમાવી બેસે છે. આવો જ એક ગંભીર કિસ્સો વલસાડમાંથી સામે આવ્યો છે.

વાત કરીએ તો શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે રૂ. ૧,૪૭,૭૫,૦૦૦ની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી છે. આ મામલે વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને ડીસા અને રાજસ્થાનમાંથી બે ફરાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.
અત્યાર સુધીમાં કુલ ૩ આરોપીઓની ધરપકડ
સાયબર ભોગ બનનાર અને ઠગાઈની આખી યોજના વિશે વાત કરીએ તો, સાયબર ઠગોની આ ટોળકીએ એક નકલી ઇન્વેસ્ટમેન્ટ કંપની અને મોબાઇલ એપ્લિકેશન બનાવી હતી. આ ફેક મોબાઇલ એપ દ્વારા શેરના ભાવ વધશે કે ઘટશે તેની ટિપ્સ આપીને લોકોને વધુ નફો કમાવવાની લાલચ આપવામાં આવતી હતી. રોકાણકારોને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી રૂ. ૧.૪૭ કરોડથી વધુની રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લેવાઈ હતી અને એપ્લિકેશનમાં ખોટો નફો બતાવવામાં આવતો હતો.
આ છેતરપિંડીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે વલસાડના એક રોકાણકારે પોતાના રોકાણ કરેલા નાણાં અને નફો પાછો મેળવવાનો પ્રયાસ કર્યો. તે સમયે આરોપીઓએ નફાની રકમ પર ૧૫% કમિશનની માંગણી કરી હતી.
આ માંગણીથી ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ અને તેમણે તાત્કાલિક સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે ટેકનિકલ એનાલિસિસ, બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન સૌથી પહેલા માસ્ટરમાઇન્ડ નરેન્દ્ર મહેશ માળીની ધરપકડ કરવામાં આવી હતી. તેની સઘન પૂછપરછમાં ફ્રોડના નાણાં જે બેંક ખાતાઓમાં જમા થયા હતા તેના ધારકોના નામ ખુલ્યા હતા. ત્યારબાદ વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ તેજ બનાવીને ડીસા અને રાજસ્થાનથી વધુ બે ફરાર આરોપીઓ ભાર્ગવ નરેશ સોલંકી અને મેહુલ મહેન્દ્ર કછવાને ઝડપી લીધા હતા. આરોપી મેહુલ કછવાના બેંક ખાતામાંથી સાઇબર ફ્રોડના રૂ. ૧૮.૭૦ લાખ જમા થયા હોવાનું સામે આવ્યું છે.
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપીઓ હાલ રિમાન્ડ હેઠળ છે. પોલીસે ઠગાઈમાં વપરાયેલા બેંક ખાતાઓને સીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
આ ઉપરાંત, આ ટોળકીએ અન્ય કોઈ રોકાણકારો સાથે આવી છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ ચાલુ છે. પોલીસની આગામી તપાસમાં આ સાઇબર ગુંડાઓએ આચરેલા અન્ય કારનામાઓ અને છેતરપિંડીની કુલ રકમમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.