Last Updated on by Sampurna Samachar
પોતે વિધવા હોવાનું કહી લગ્નની ઇચ્છા કરી વ્યક્ત
આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જસદણના ૪૨ વર્ષીય ખેડૂતને લગ્નની લાલચે લાખોની છેતરપિંડીનો ગુનાનો ભેદ ઉકેલાયો છે. રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે સોશિયલ મીડિયા પર મિત્રતા, લગ્નનું વચન અને વિદેશથી મોંઘી ગિફ્ટ મોકલવાની લાલચ આપીને ૬.૩૧ લાખની છેતરપિંડી કરવાના કેસમાં સફળતા મેળવી છે.

પોલીસે ગ્રેટર નોઇડાથી ત્રણ આફ્રિકન નાગરિકોની ધરપકડ કરી છે. આરોપીઓને જસદણ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસ દરમિયાન વિઝાની મુદત પૂર્ણ થયા બાદ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેવાના કથિત મોડસ ઓપરેન્ડીની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
મહિલા સહિત ત્રણ વિદેશી નાગરિકોની ધરપકડ
પોલીસના જણાવ્યા મુજબ, મે-૨૦૨૬ દરમિયાન જસદણના ખેડૂતને ફેસબુક પર એક મહિલાના નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. ત્યારબાદ વોટ્સએપ પર સતત સંપર્ક કરીને આરોપી મહિલાએ પોતે વિદેશમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કાર્યરત હોવાનું જણાવ્યું હતું. પોતે વિધવા હોવાનું કહી લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી ખેડૂતનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં દીકરીના જન્મદિવસ નિમિત્તે મોંઘી ગિફ્ટ મોકલવાનો બહાનો બનાવી સરનામું અને આધાર કાર્ડ સહિતની વિગતો મેળવી લીધી હતી.
થોડા દિવસ બાદ દિલ્હી એરપોર્ટના કસ્ટમ અધિકારી તરીકે ઓળખ આપનાર એક મહિલાએ ખેડૂતનો સંપર્ક કરી વિદેશથી આવેલા પાર્સલ માટે કસ્ટમ ડ્યુટી અને અન્ય ચાર્જ ભરવા જણાવ્યું હતું. આરોપીઓએ પાર્સલમાં મોટી રકમની વિદેશી કરન્સી, સોનાની ચેઇન, લેપટોપ, ઘડિયાળ અને આઈફોન હોવાનું કહી અલગ-અલગ બહાના હેઠળ હપ્તાવાર રૂપિયા જમા કરાવ્યા હતા. ખેડૂતે બંને બેંક ખાતાઓમાંથી કુલ ૬.૩૧ લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે, પાર્સલ ન મળતાં અને સતત વધુ નાણાંની માંગ થતાં તેમને છેતરપિંડીની શંકા ગઈ હતી.
ફરિયાદના આધારે રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ તપાસ શરૂ કરી હતી. સોશિયલ મીડિયા એકાઉન્ટ, મોબાઇલ નંબર, બેંક ટ્રાન્ઝેક્શન અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે આરોપીઓ ગ્રેટર નોઇડામાં હોવાની માહિતી મળતાં ત્યાંથી એક મહિલા સહિત ત્રણ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ત્રણ મોબાઇલ ફોન, ત્રણ પાસપોર્ટ, સિમ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ૧૫ બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેમાં અંદાજે ?૭૮ હજારની રકમ સ્થગિત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બે આરોપીઓ સ્ટુડન્ટ વિઝા અને એક આરોપી શોર્ટ ટર્મ વિઝા પર ભારતમાં આવ્યા હતા, પરંતુ ત્રણેયના વિઝાની સમયમર્યાદા પૂર્ણ થઈ ચૂકી હતી. પોલીસ હાલમાં આ કેસમાં આરોપીઓ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવા માટે ગુનાહિત પ્રવૃત્તિઓનો આશરો લેતા હતા કે કેમ તેની પણ તપાસ કરી રહી છે. સાથે જ બેંક ખાતા ઉપલબ્ધ કરાવનાર મધ્યસ્થીઓ અને કસ્ટમ અધિકારી તરીકે ઓળખ આપનાર અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.