Last Updated on by Sampurna Samachar
કાલુપુર ફ્રૂટ માર્કેટમાં ટ્રાફિક ઘટાડવા દબાણો હટાવાયા
કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને હલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યાં કાલુપુર ફ્રૂટ માર્કેટ ખાતે માર્ગો પર થયેલા દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, શહેરના કોટ વિસ્તારમાં અને ખાસ કરીને રેલવે સ્ટેશન નજીક આવેલા કાલુપુર ફ્રૂટ માર્કેટમાં વહેલી સવારથી જ ફળોની હરાજી અને ખરીદ-વેચાણ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ દરમિયાન અનેક વેપારીઓ અને પથારાવાળાઓ દ્વારા જાહેર માર્ગો પર દબાણ કરવામાં આવતું હતું, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે AMC ની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરી હતી.
માર્ગો ખુલ્લા થતા ટ્રાફિક સમસ્યા ઘટશે
AMC ના એસ્ટેટ અને એન્ક્રોચમેન્ટ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા માર્કેટના મુખ્ય માર્ગો અને જાહેર જગ્યાઓ પર થયેલા અનધિકૃત દબાણોને હટાવવામાં આવ્યા હતા. ફૂટપાથ અને રસ્તા પર નડતરરૂપ લારી-ગલ્લા તેમજ અન્ય સામાન જપ્ત કરીને રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા હતા. માર્ગો ખુલ્લા થવાથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને સ્થાનિક વેપારીઓને પણ વ્યવસ્થિત રીતે વેપાર કરવામાં સરળતા રહેશે.