Last Updated on by Sampurna Samachar
પોલીસે દરોડો પાડી બોપલ દુકાનમાંથી જથ્થો જપ્ત કર્યો
દુકાનના માલિકની અટકાયત કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં બ્રાન્ડેડ વસ્તુઓના નામે ડુપ્લીકેટ માલ લોકોને પધરાવતી દુકાનનો પર્દાફાશ થયો છે. શહેરના બોપલ વિસ્તારમાં પોલીસે એક દુકાન પર દરોડો પાડી જાણીતી બ્રાન્ડના નકલી શૂઝ અને સ્લિપરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી ‘એલીગન્સ એમ્પલોઇમ’ નામની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીઓના લોગો લગાવી નકલી શૂઝ અને સ્લિપરનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
કોઈપણ બ્રાન્ડેડ વસ્તુ ખરીદતી વખતે તપાસ જરૂરી
પોલીસ દરોડા દરમિયાન દુકાનમાંથી કુલ ૧૬૯ જોડી ડુપ્લીકેટ બૂટ અને ચંપલ મળી આવ્યા હતા. બજારમાં આ જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત ૧ લાખ ૬૯ હજાર રૂપિયા જેટલી આંકવામાં આવી છે. આ નકલી શૂઝને અસલી બ્રાન્ડેડ વસ્તુ તરીકે ઓળખાવી ઊંચા ભાવે ગ્રાહકોને વેચવામાં આવતા હતા.
આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા દુકાનના માલિકની અટકાયત કરી છે. કોપીરાઈટ એક્ટ અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરવામાં આવી છે. આ નકલી માલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
આ કાર્યવાહીને પગલે નકલી બ્રાન્ડેડ વસ્તુઓ વેચતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈપણ બ્રાન્ડેડ વસ્તુ ખરીદતી વખતે તેની અધિકૃતતાની તપાસ કરવી જોઈએ.