Last Updated on by Sampurna Samachar
અંજાર પોલીસ અને LCB ની ટીમે તપાસ હાથ ધરી હતી
આધેડની ઘાતકી હત્યા કરી ટુકડા કરી તળાવમાં ફેંક્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામેથી ગૂમ થયેલા આધેડની હત્યાનો ચકચારી પર્દાફાશ થયો છે. ઉલ્લેખનીય છે કે ૫ સપ્ટેમ્બરના રોજ ગામના તળાવ કિનારેથી બે શંકાસ્પદ પ્લાસ્ટિકના કોથળા મળી આવ્યા હતા, જેમાં તપાસ કરતા માનવ શરીરના અલગ-અલગ ટુકડા મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહની ઓળખ ગુમ થયેલા લખ્ખુભાઈ તરીકે કરી હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી અંજાર પોલીસ અને LCB ની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે મૃતક લખ્ખુભાઈની પત્ની સાથે પાડોશમાં રહેતા દિનેશ રાયધણભાઈ ઠાકોરનો છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ જ પ્રેમસંબંધના કારણે દિનેશે લખ્ખુભાઈને મોડી રાત્રે પોતાના ઘરે બોલાવી માથામાં લોખંડનો રોડ મારી હત્યા નીપજાવી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો
હત્યા કર્યા બાદ આરોપી દિનેશે મૃતદેહનો નિકાલ કરવા માટે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. મૃતદેહ ભારે હોવાથી ઉપાડી ન શકાતાં તેણે ઘરે પડેલી હેક્સો બ્લેડ વડે લખ્ખુભાઈના શરીરના બે ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ પ્લાસ્ટિકના કોથળામાં ભરીને વરસામેડી ગામના તળાવમાં ફેંકી દીધા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં આ ઘાતકી હત્યાનો ભેદ ઉકેલી આરોપી દિનેશ ઠાકોરની ધરપકડ કરી લીધી છે.