Last Updated on by Sampurna Samachar
મૃતકોની ઓળખ પંચમહાલ જિલ્લાના રહેવાસી
બંનેએ હોટલના રૂમમાં ગળેફાંસો ખાધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક હોટલમાં પ્રેમી યુગલના આત્મહત્યાના બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી છે. બંનેએ હોટલના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ પંચમહાલ જિલ્લાના રહેવાસી ૨૧ વર્ષીય જયદીપ પટેલિયા અને ૨૨ વર્ષીય નીતાબેન ડામોર તરીકે થઈ છે. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. યુવતી અમદાવાદમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી, જ્યારે યુવક હાલોલ ખાતે મજૂરી કામ કરતો હતો.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંનેએ હોટલના રૂમમાં નાયલોનની દોરી વડે પંખા સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. હોટલ સ્ટાફને ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા.
સ્થાનિક પોલીસ અધિકારીઓના પ્રાથમિક નિવેદન મુજબ, પ્રેમ સંબંધ અને લગ્નમાં આવી રહેલા અવરોધ આ ઘટનાનું સંભવિત કારણ હોઈ શકે છે. જોકે, આત્મહત્યા પાછળ અન્ય કોઈ વ્યક્તિગત, કૌટુંબિક અથવા આર્થિક કારણ જવાબદાર હતું કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને મૃતકોના પરિવારજનોના નિવેદન સહિત તમામ પુરાવાઓના આધારે કેસની વિગતવાર તપાસ હાથ ધરી છે. સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.