Last Updated on by Sampurna Samachar
સાવરકુંડલાના ઠવી ગામની ઘટના
યુવકની સ્થિતિ હવે સ્થિર હોવાનુ તબીબે જણાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલીના સાવરકુંડલા તાલુકામાંથી વન્યજીવના હુમલાની વધ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઠવી ગામે રાત્રિ દરમિયાન એક સિંહે ઘરની ઓસરીમાં સૂતેલા પશુપાલક યુવક પર હુમલો કરી દીધો હતો. સિંહના આ હુમલામાં પશુપાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર ગ્રામજનોમાં ભારે ફફડાટ માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, ઠવી ગામે રહેતા અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા રાજુ વાઘેલા ગત રાત્રે ઘરની ઓસરીમાં સૂતો હતો. આ દરમિયાન રાત્રિના અંધકારમાં એક સિંહ શિકારની શોધમાં ગામમાં ધસી આવ્યો હતો અને ઓસરીમાં સૂતેલા રાજુ પર અચાનક હુમલો કર્યો હતો.
સવા મહિનાની અંદર જ સિંહે છઠ્ઠો હુમલો કર્યો
સિંહે અચાનક હુમલો કરતા જ ગભરાયેલા રાજુએ જીવ બચાવવા માટે જોરજોરથી બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. તેની બૂમો સાંભળીને આસપાસના પરિવારજનો અને ગ્રામજનો લાકડીઓ લઈને તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોનો જમાવડો અને ઘોંઘાટ જોઈને સિંહ પશુપાલકને છોડીને ભાગી છૂટ્યો હતો.
સિંહના આ હુમલામાં પશુપાલક રાજુ વાઘેલાના પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સિંહે તેના પંજા અને દાંત વડે યુવકના પગને ફાડી ખાધો હતો. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસ મારફતે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ડૉક્ટરોના જણાવ્યા મુજબ, યુવકની સ્થિતિ હાલ સ્થિર છે, પરંતુ ઇજા એટલી ગંભીર હતી કે તેના પગમાં આશરે ૨૫ જેટલા ટાંકા લેવા પડ્યા છે.ઉલ્લેખનીય છે કે, માત્ર સવા મહિનાની અંદર જ સિંહ દ્વારા નાગરિકો પર હુમલો કરવાની આ છઠ્ઠી ઘટના સામે આવતા વન વિભાગની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.