Last Updated on by Sampurna Samachar
ભારે વરસાદની આગાહીને પગલે નિર્ણય લેવાયો
વરસાદને લઇ તંત્રની સૂચનાઓનુ પાલન કરવા અપીલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. જયા-પાર્વતી વ્રત નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા લેક ખાતે મહિલાઓ અને બાલિકાઓ માટે આયોજિત વિશેષ રાત્રિ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ આ ર્નિણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદની સંભાવના વચ્ચે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કાર્યક્રમોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
ઇમરજન્સીમાં સત્તાવાર હેલ્પલાઇનનો સંપર્ક કરવા અપીલ
AMC એ જણાવ્યું છે કે હાલની વરસાદી પરિસ્થિતિ અને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ અને કાંકરિયા ખાતેની તમામ વિશેષ વ્યવસ્થાઓ પણ સ્થગિત રાખવામાં આવી છે. જેના કારણે જયા-પાર્વતી વ્રતધારી મહિલાઓ અને બાલિકાઓ માટે અગાઉ જાહેર કરાયેલી સુવિધાઓ અને આયોજન નિર્ધારિત સમય મુજબ ઉપલબ્ધ રહેશે નહીં.
મહાનગરપાલિકાએ નાગરિકોને આ ર્નિણયમાં સહકાર આપવા અપીલ કરી છે. સાથે જ વરસાદી માહોલ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે.
બીજી તરફ, શહેરમાં સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર બ્રિગેડને પણ સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. શહેરના તમામ ૧૯ ફાયર સ્ટેશનના અધિકારીઓ અને જવાનોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે બોટ, લાઈફ જેકેટ, કટર મશીન, બોયા સહિતના તમામ બચાવ સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે.
આગોતરા આયોજનના ભાગરૂપે AMC એ શહેરના વસ્ત્રાપુર સહિત પાંચ મુખ્ય તળાવોમાં પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે પાણી ખાલી કરવાની કામગીરી શરૂ કરી છે. જો આગામી કલાકોમાં ભારે વરસાદ થાય તો વધારાનું વરસાદી પાણી સરળતાથી સંગ્રહ થઈ શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ દરમિયાન, મેમનગર સ્થિત એસજી તળાવની પ્રોટેક્શન વોલનો એક ભાગ ધસી પડ્યો હોવાની ઘટના પણ સામે આવી છે. તળાવ કિનારે આવેલા વોક-વેના કેટલાક ભાગમાં જમીન બેસી જતાં સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને બેરિકેટિંગ કરીને બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડ્રેનેજ લાઇનમાં લીકેજના કારણે જમીન ધસી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે હાલ તમામ વિભાગો સંકલન સાથે કાર્ય કરી રહ્યા છે અને વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું જણાવતાં તંત્રે આગામી દિવસોમાં પણ સતર્ક રહેવા અને કોઈપણ ઇમરજન્સીમાં સત્તાવાર હેલ્પલાઇનનો સંપર્ક કરવાની અપીલ કરી છે.