Last Updated on by Sampurna Samachar
T ૨૦ વર્લ્ડ કપમાં ફિક્સિંગ, પાવર પ્લેમાં કેપ્ટનની ૧ ઓવર સામે શંકા
આ તપાસનો મુખ્ય છેડો ચેન્નાઈમાં રમાયેલા કેનેડા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મુકાબલા સાથે જોડાયેલો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની એન્ટી-કરપ્શન યુનિટે ક્રિકેટ કેનેડામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર, મેચ ફિક્સિંગ અને ટીમ સિલેક્શનમાં દખલગીરી જેવા ગંભીર આરોપોની તપાસ શરૂ કરી છે. રિપોર્ટ અનુસાર, આ તપાસનો મુખ્ય છેડો ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ચેન્નાઈમાં રમાયેલા કેનેડા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના ટી૨૦ વર્લ્ડ કપ મુકાબલા સાથે જોડાયેલો છે.

આ મેચમાં કેનેડાના કેપ્ટન દિલપ્રીત બાજવા દ્વારા ફેંકવામાં આવેલી એક ઓવર શંકાના દાયરામાં છે, જેમાં તેમણે નો-બોલ અને વાઈડ સાથે ૧૫ રન આપ્યા હતા. જો કે, હજુ સુધી કોઈ ખેલાડી પર સત્તાવાર આરોપ નક્કી થયા નથી, પરંતુ તપાસ એજન્સી આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ભ્રષ્ટાચારના આ વિવાદમાં કેનેડાના પૂર્વ કોચ ખુર્રમ ચૌહન અને પુબુદુ દસનાયકેના નિવેદનોએ પણ ખળભળાટ મચાવ્યો છે.
ક્રિકેટ જગતમાં અનેક મોટા ખુલાસા
એક કથિત ઓડિયો રેકોર્ડિંગમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્રિકેટ કેનેડાના કેટલાક પૂર્વ બોર્ડ મેમ્બર્સ દ્વારા ખાસ ખેલાડીઓને ટીમમાં લેવા માટે કોચ પર દબાણ કરવામાં આવ્યું હતું. દસનાયકેએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમણે આવા ખોટા કામોની ના પાડી ત્યારે તેમને કોન્ટ્રેક્ટ ખતમ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ તમામ બાબતોનો ખુલાસો તાજેતરમાં એક ડોક્યુમેન્ટ્રી ‘કરપ્શન, ક્રાઈમ અને ક્રિકેટ‘ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં ખેલાડીઓને પ્રાઈઝ મની ન મળવા અને વહીવટી ગેરરીતિઓના ગંભીર આક્ષેપો છે.
વહીવટી સ્તરે પણ ક્રિકેટ કેનેડા છેલ્લા એક વર્ષથી વિવાદોમાં રહ્યું છે. પૂર્વ ઝ્રઈર્ં સલમાન ખાનની નિમણૂક અને ત્યારબાદ તેમની સામે લાગેલા ચોરી તેમજ છેતરપિંડીના આરોપોને કારણે બોર્ડની છબી ખરડાઈ છે. ખેલાડીઓને જુલાઈ ૨૦૨૫ પછી કોન્ટ્રેક્ટ વગર છોડી દેવામાં આવ્યા હોવાની અને પગારમાં વિલંબની ફરિયાદો પણ સામે આવી છે. હાલમાં આ મામલે મૌન જાળવ્યું છે, પરંતુ એન્ટી-કરપ્શન યુનિટની આ તપાસથી આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે.